પાક સૈન્ય માનતું હતું એના કરતા ઈમરાન ખાન વધુ ચાલાક નીકળ્યો

પાકિસ્તાનના વડા પ્રધાનપદે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલો ઈમરાન ખાન નિયાઝી રહેશે કે નહીં તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી હતી, કેમ કે રવિવારે પાકિસ્તાની સંસદ એટલે કે નેશનલ એસેમ્બલીમાં ઈમરાન સરકાર સામેના અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું. ઈમરાન પાસે નેશનલ એસેમ્બલીમાં સ્પષ્ટ બહુમતી નહોતી તેથી ઈમરાન હારી જ જશે ને બેઆબરૂ થઈને ઘરભેગો થશે એવું મનાતું હતું, પણ ઈમરાને છેલ્લી ઘડીએ ખેલેલા દાવે બાજી પલટી નાખી. પાકિસ્તાનની સંસદમાં ઈમરાન સરકાર પાસે બહુમતી નહોતી પણ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને ઈમરાનના માણસો છે. ઈમરાને તેમને સાધીને જોરદાર ખેલ પાડી દીધો. ઈમરાનના ઈશારે ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ અવિશ્ર્વાસ પ્રસ્તાવને એમ કહીને ફગાવી દીધો કે, આ અવિશ્ર્વાસ પ્રસ્તાવ. વિદેશી કાવતરાના ભાગરૂપે લાવવામાં આવ્યો છે. વિપક્ષો કકળાટ કરતા રહ્યા ને ડેપ્યુટી સ્પીકર અવિશ્ર્વાસનો પ્રસ્તાવ ફગાવીને નીકળી ગયા.
વિપક્ષો સંસદમાં કકળાટમાં વ્યસ્ત હતા ત્યાં ઈમરાને બીજો દાવ ખેલીને સંસદને ભંગ કરવાની ભલામણ કરી નાખી. રાષ્ટ્રપતિ કોઈ નિર્ણય લે એ પહેલાં ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધનમાં સંસદ ભંગ કરવાની ભલામણ કરી હોવાની જાહેરાત કરી દીધી. ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધનમાં ફરી પોતાની સામે વિદેશી કાવતરું ઘડવામાં આવ્યું હોવાની રેકર્ડ વગાડીને આ કાવતરું નિષ્ફળ ગયું હોવાનું એલાન કરી દીધું. ઈમરાને રાષ્ટ્રપતિ આરિફ અલવી માટે પોતાની ભલામણ માનવાનો તખ્તો તૈયાર કરી દીધો ને કહ્યાગરા અલવીએ તાત્કાલિક સંસદ ભંગ કરીને પાકિસ્તાનમાં 90 દિવસમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી નાખી. વિપક્ષો એસેમ્બલીમાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ ફગાવાયો તેની લડાઈમાં વ્યસ્ત હતાં ત્યાં ઈમરાને આ રીતે નવો ફટકો મારી દીધો.
વિપક્ષો આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. વિપક્ષોએ એસેમ્બલીમાં પોતાનો સ્પીકર ચૂંટીને મતદાન કરાવવાનાં ને એ બધાં ત્રાગાં કરી જોયાં પણ ત્યાં સુધીમાં ઘોડા છૂટી ગયા હતા. આ મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેશે તે ખબર નથી પણ ઈમરાને રમેલા દાવને જોતાં સુપ્રીમ કોર્ટ આ નિર્ણયને બદલે એવી શક્યતા ઓછી છે. ઈમરાને વિપક્ષો વિદેશી પરિબળોના હાથની કઠપૂતળી હોવાનું ચિત્ર ઊભું કરી દીધું છે. આ સંજોગોમાં વિપક્ષોને સત્તા સોંપાય તો સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા પણ ખરડાય ને સુપ્રીમ કોર્ટ એવું જોખમ લે એવી શક્યતા ઓછી છે.આ દાવ દ્વારા ઈમરાને સાબિત કર્યું છે કે, એ માત્ર ક્રિકેટના મેદાનના જ નહીં પણ રાજકારણના મેદાનના દાવપેચનો પણ દાદો છે. ઈમરાન રાજકીય દાવપેચમાં ધાર્યા કરતાં મોટો ખેલાડી સાબિત થયો છે. ઈમરાને અવિશ્વાસના મતદાનમાં વિપક્ષો ના ફાવે તેનો પાકો બંદોબસ્ત પહેલાંથી જ કરી નાખેલો. તેણે પહેલાં જ પોતાની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સાંસદોને નેશનલ એસેમ્બલીમાં નહીં આવવા ફરમાન કરી દીધેલું કે જેથી કોઈ ગદ્દારી કરીને અવિશ્ર્વાસના મતદાન વખતે વિપક્ષોની પંગતમાં ના બેસી જાય.
આ સાંસદોને સલામત સ્થળે મોકલી અપાયા હતા કેમ કે અવિશ્ર્વાસના પ્રસ્તાવ પર મતદાન વખતે તેની તરફેણમાં મતદાન વખતે સત્તાધારી પક્ષના સાંસદોની હાજરી જરૂરી નથી. ભારતમાં કેન્દ્રમાં કે રાજ્યમાં પણ સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ થાય ત્યારે તરફેણ અને વિરુદ્ધ બંને તરફ મતદાન કરાવાય છે. ભારતમાં સંસદ કે વિધાનસભામાં હાજર સાંસદ કે ધારાસભ્યોમાંથી કેટલા સાંસદ કે ધારાસભ્યો તરફેણમાં મત આપે છે ને કેટલા વિરુદ્ધ મત આપે છે તેના આધારે દરખાસ્ત પસાર થઈ કે નહીં એ નક્કી થાય છે, સરકાર રહેશે કે જશે તેનો નિર્ણય લેવાય છે. પાકિસ્તાનનું બંધારણ ભારતથી સાવ અલગ છે તેથી અવિશ્ર્વાસના પ્રસ્તાવ અંગેની બંધારણીય જોગવાઈ પણ સાવ અલગ છે.
પાકિસ્તાનની સંસદમાં કુલ સભ્યોની સંખ્યા 343 છે તેથી બહુમતી માટે 172 સભ્યોનો ટેકો જોઈએ. આ જ લોજિક પ્રમાણે પાકિસ્તાનના બંધારણ પ્રમાણે નેશનલ એસેમ્બલીમાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ પસાર કરવા માટે 172 સભ્યોનો ટેકો જોઈએ પણ તેની વિરૂદ્ધ કેટલા સાંસદો મત આપે છે એ મહત્ત્વનું નથી. આ કારણે ઈમરાનના પોતાના પક્ષના સાંસદોને હાજર રાખવા જરૂરી નહોતા. ઈમરાને એ દાવ ખેલીને એવી છાપ ઊભી કરી કે, પોતે અવિશ્ર્વાસની દરખાસ્તનો સામનો કરવા તૈયાર નથી. એ સ્પીકરને સાધીને મતદાન નહીં થવા દે. અતિ ઉત્સાહમાં આવી ગયેલા વિપક્ષો સંસદમાં પહોંચી ગયા ત્યાં ઈમરાને સંસદ ભંગનો દાવ ખેલીને વિપક્ષોને હતપ્રભ કરી નાખ્યા.
ઈમરાને વિપક્ષોની હાલત બગાડી નાખી છે. ઈમરાન લોકપ્રિય નથી એવો વિપક્ષોનો દાવો છે. લોકો ઈમરાનને હટાવવા માગે છે એવું વિપક્ષો જોરશોરથી કહે છે. ઈમરાને સંસદ ભંગ કરાવીને 90 દિવસમાં ચૂંટણી કરાવવાનું એલાન કરાવીને મેસેજ આપી દીધો છે કે, પોતે લોકોની વચ્ચે જઈને ફરી જનાદેશ લેવા તૈયાર છે. વિપક્ષો માનતા હોય કે ઈમરાનને લોકો ગાળે આપે છે કે ઈમરાન લોકપ્રિય નથી તો તેમણે પણ જનાદેશ લેવાની તૈયારી બતાવવી જોઈએ. ઈમરાને તેમને પોતાની વાત સાચી સાબિત કરવાનો પડકાર ફેંકી દીધો છે. વિપક્ષોએ આ પડકાર ઉપાડવાની તૈયારી બતાવવી જ પડે નહિંતર તેમની વાત ખોટી પડે ને ઈમરાન મજબૂત થાય.ઈમરાને લોકો વચ્ચે પોતે ક્યા મુદ્દે જશે તેનો તખ્તો તૈયાર કરી દીધો છે. ચાર દિવસ પહેલાં કરેલા રાષ્ટ્રને સંબોધનમાં ઈમરાને પોતે અમેરિકાની દાદાગીરીનો ભોગ બની રહ્યો હોવાનું ચિત્ર ઊભું કરી દીધું. પોતે પાકિસ્તાનની પ્રજાની ચિંતા કરી તેમાં અમેરિકા પોતાને ભગાડવા માગે છે એવું ચિત્ર રજૂ કરીને ઈમરાને લોકોની સહાનુભૂતિ જીતવાનો દાવ ખેલી નાખ્યો છે. સાથે સાથે પોતાની સામે પડેલા શાહબાઝ શરીફ, આસિફ અલી ઝરદારી, ફજલુર રહેમાન સહિતના નેતા ભ્રષ્ટાટાર કરીને દેશને ફોલી ખાવાનો ધંધો કરવા થનગની રહ્યા હોવાનો દાવો પણ કરી નાખ્યો.ઈમરાને વધારે ભાર પોતે ઈસ્લામનો ચુસ્ત તરફદાર હોવા પર મૂક્યો છે. ઈમરાને પોતે રશિયા ગયો તેમાં અમેરિકા વંકાયું છે તેથી પોતાને ઘરભેગો કરવા માગે છે એવો દાવો કરીને પાકિસ્તાનની ખુદ્દારીનો મુદ્દો પણ ઊભો કરી દીધો છે. ઈમરાનના આ દાવાઓ સામે વિપક્ષો ઝીંક ઝીલી શકે છે કે નહીં એ જોવાનું રહે છે.