ભારતમાં કોરોના જતો રહ્યો છે એમ માનીને લોકો સાવ નચિંત બની ગયાં છે ને મુક્ત રીતે ફરી રહ્યાં છે. કોરોનાનો ભરડો સૌથી વધારે હતો એવાં મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં પણ કોરોનાનું નામોનિશાન મટી ગયું હોય એવો જ માહોલ છે. લોકોનું છોડો, પણ રાજ્ય સરકારો પણ સાવ નફિકરી થઈને બેઠી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો હળવા કરી દેવાયા છે, નિયંત્રણો હટાવી લેવાયાં છે ને મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં તો માસ્ક પહેરવામાંથી પણ મુક્તિ આપી દેવાઈ છે. આ નફિકરાપણાના માહોલમાં કઠણાઈના સમાચાર આવ્યા કે, કોરોના વાઈરસનો નવો વૅરિયન્ટ એક્સઈ એ ભારતમાં એન્ટ્રી મારી લીધી છે અને પહેલો કેસ મુંબઈમાં નોંધાયો છે. મુંબઈમાંથી કોરોના ભલે જતો રહ્યો, પણ કોરોનાનાં લક્ષણ લાગે તેમનું ટેસ્ટિંગ તો કરાય જ છે. બુધવારે સેમ્પલ લેવાયાં તેમાંથી એક દર્દીને એક્સઈ કોરોના વૅરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની ખબર પડી છે.
અત્યાર સુધીમાં કોરોનાના નવા નવા વૅરિયન્ટ વિદેશથી જ આવ્યા છે. આ કિસ્સામાં પણ એવું જ થયું છે. દક્ષિણ આફ્રિકાથી આવેલી પચાસ વર્ષની મહિલાને વાઈરસનો ચેપ લાગેલો છે. બીજા કોઈને તેમના કારણે ચેપ લાગ્યો નથી તેથી ચિંતા કરવા જેવું પહેલી નજરે કંઈ ના લાગે પણ કોરોનાનો આપણો અનુભવ જોતાં આ ખતરાની ઘંટડી તો છે જ. તેનું કારણ એ કે, આ મહિલાએ બંને રસી લીધી હતી છતાં કોરોના થઈ ગયો છે. કેન્દ્ર સરકારે મહિલાને એક્સઈ વાઈરસનો ચેપ લાગ્યો હોવાનો ઈનકાર કર્યો છે ને મહારાષ્ટ્ર સરકાર એક્સઈ વૅરિયન્ટનો જ કેસ હોવાની વાતને વળગી રહી છે તેથી આ મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે, પણ એ અલગ વાત છે. મહિલાને નવા વૅરિયન્ટનો ચેપ ના લાગ્યો હોય તો પણ કોરોના તો થયેલો જ છે તેથી કોરોનાનો ખતરો સાવ ગયો નથી એ વાત કેન્દ્ર સરકાર પણ કબૂલે જ છે. આ પરિસ્થિતિમાં વૅરિયન્ટની વાતમાં ના પડીએ તો પણ ખતરો તો છે જ ને એક્સઈ વૅરિયન્ટ હોય તો ખતરો મોટો છે.
કોરોનાનો અનુભવ અને સંશોધન બંને એવું કહે છે કે, કોરોનાનો નવો વૅરિયન્ટ આવે એ આગલા કરતાં વધારે ખતરનાક જ હોય છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન એ પણ ચેતવણી આપી જ છે કે, બ્રિટનમાં પ્રથમ વખત મળેલો ઓમિક્રોન વાઈરસનો નવો વૅરિયન્ટ કોરોના વાઈરસના અગાઉના વેરીયન્ટની સરખામણીમાં વધારે ચેપી લાગે છે. એક્સઈ રીકાંબિનેન્ટ (ઇઅ.1-ઇઅ.2) નામનો નવો વૅરિયન્ટ પહેલીવાર બ્રિટનમાં 19 જાન્યુઆરીના રોજ દેખાયો પછી તેના છસ્સો થી વધારે કેસ નોંધાયા છે. આ વૅરિયન્ટ વિશે વહેલી ખબર પડી ગઈ તેથી કેસ વધ્યા નથી એ હકારાત્મક વાત કહેવાય ને તેના કારણે અત્યાર લગી આ વૅરિયન્ટ નિરૂપદ્રવી લાગ્યો છે. બહુ કેસ વધ્યા નથી તેથી કોરોનાનો આ નવો વૅરિયન્ટ નવી લહેર નહીં લાવી શકે એવું પણ સંશોધકો માને છે, પણ કોરોનાનું ભલું પૂછવું, એ ક્યારે શું કરે એ કહેવાય નહીં. ચીનનો તાજો દાખલો આપણી નજર સામે જ છે.
ચીનમાં પણ કોરોના જતો રહ્યો એમ માનીને લોકો વર્તતાં હતાં ત્યાં ફરી ઊથલો માર્યો છે. ચીનમાં ઓમિક્રોનના નવા વૅરિયન્ટ સબટાઇપ ઇઅ.1. 1 એ જ કાળો કેર વર્તાવ્યો છે. આ વૅરિયન્ટના લક્ષણ કોઇ પણ વૅરિયન્ટ સાથે નથી મળતા તેના કારણે ચીનાઓ ગફલતમાં રહ્યા તેમાં હાલત
બગડી ગઈ. ઓમિક્રોન વાઈરસનો સબટાઇપ એવો ઇઅ.1. 1 બિલકુલ નવો વૅરિયન્ટ હોવાથી તેના વિશે કોઈને ખબર જ ન પડે. અત્યાર સુધી મળી આવેલા તમામ વૅરિયન્ટની તદ્દન અલગ, આ વૅરિયન્ટના કારણે ચીનમાં કોરોનાની નવી લહેર આવી ગઈ છે ને લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. આ વૅરિયન્ટ ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈથી સિત્તેર કિલોમીટર દૂર આવેલા જિયાંગ્સુ વિસ્તારમાં પહેલીવાર મળી આવ્યો ને પછી બીજે બધે ફેલાતાં ચીન પાછું કોરોનાની લપેટમાં આવી ગયું છે.
ચીને માર્ચ મહિનાની શરૂઆત લગીમાં તો લોકડાઉન, ગ્રુપ ટેસ્ટિંગ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર કડક પ્રતિબંધો મૂકીને કોરોનાના કેસોને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી હતી, પણ નવા વૅરિયન્ટના કારણે એક અઠવાડિયામાં એટલા કેસ આવ્યા કે બધા કર્યાકારવ્યા પર પાણી ફરી વળ્યું. અત્યારે ચીનમાં રોજના સરેરાશ વીસેક હજાર કેસ નોંધાય છે. રાહતની વાત એ છે કે, હજુ સુધી નવા વૅરિયન્ટના કારણે એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી, પણ જનજીવન તો ખોરવાઈ જ ગયું છે. અત્યારે કામ-ધંધા બંધ છે તેથી લોકોને ખાવાનાં પણ ફાંફાં પડી રહ્યાં છે.
ચીનમાં અત્યારે એવી હાલત છે કે, ક્વૉરન્ટાઈન સેન્ટરોમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. કોવિડ-પોઝિટિવ બાળકોને માતા-પિતાથી અલગ કરવામાં આવી રહ્યાં છે કે જેથી કોરોના વધારે ના ફેલાય.
જિગ્યાંસુથી શરૂ થયેલા કોરોનાના નવા વાવરે શાંઘાઈને લપેટમાં લઈ લીધું છે. શાંઘાઈમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, એક પણ હૉસ્પિટલમાં જગા નથી ને કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરીને નીચે જ લોકોને સૂવાડી દેવાય છે. શાંઘાઈમાં અત્યાર સુધી કોરોનાના ચેપથી કોઈનું મોત નથી થયું, પણ હાલત એ હદે ખરાબ છે કે, કોરોનાને હરાવવા લશ્કરને મેદાનમાં ઉતારવું પડ્યું છે.
ચીને લશ્કરની મદદથી કોરોનાના દર્દીઓને શોધી કાઢવા તપાસ અભિયાન શરૂ કર્યું છે. લશ્કરના જવાનો અને ડૉક્ટરોને તપાસ માટે ઉતારવામાં આવ્યા છે. ચીનનું લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (ઙકઅ) કહેવાય છે. આ આર્મીના બે હજારથી વધુ ડૉક્ટરોને શાંઘાઈ મોકલવા પડ્યા છે કે જેથી કોરોના તપાસમાં તંત્રની મદદ કરી શકાય. જિયાંગ્સુ, જેજિયાંગ અને બેઇજિંગ સહિત અનેક પ્રાંતોના ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને પણ શાંઘાઈ મોકલવો પડ્યો છે. આપણે ત્યાં સ્થિતિ સારી છે, પણ સતર્ક ના રહીએ તો હાલત બગડી શકે. ‘ચેતતા નર સદા સુખી’ એ હિસાબે લોકો જાગે ને સ્વૈચ્છિક રીતે નિયમો પાળે એ જરૂરી છે.