આખરે ભારત સરકારે પાકિસ્તાન નાસી છૂટેલા દુષ્ટ ઝરગરને આતંકવાદી ઠરાવ્યો

ભારતમાં આતંકવાદ બહુ મોટી સમસ્યા છે. કમનસીબી એ છે કે, જુના કોંગ્રેસ રાજમાં આ સમસ્યાને નાથવા માટે નક્કર પગલાં ઓછાં લેવાયા ને કાગળિયાં પરની કામગીરી વધારે થઈ છે. જેનું પરિણામ હજુ નિર્દોષ નાગરિકોએ ભોગવવું પડે છે. હવે કેન્દ્ર સરકારે આતંકવાદીઓ કે જે ભારત બહાર છુપાયેલા છે એને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાનમાં રહીને કામ કરતા અલ મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠનના સ્થાપક અને ચીફ કમાન્ડર મુશ્તાક અહમદ ઝરગર સામે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે લીધેલો નિર્ણય તેનો તાજો પૂરાવો છે. ગૃહ મંત્રાલયે મુશ્તાક અહમદ ઝરગર આતંકી જાહેર કર્યો છે અને તેની સામે ઢગલાબંધ પ્રતિબંધ મૂક્યા છે.
આ પ્રતિબંધોની શું અસર થશે તેની વાત કરતાં પહેલાં મુશ્તાક અહમદ ઝરગર કયા ખેતરનો મૂળો છે તેની વાત કરી લઈએ. મુસ્તાક અહમદ ઝરગર ઉર્ફે લતરામ મૂળ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરનો છે ને 1985થી આતંકવાદી સંગઠનમાં કામ કરે છે. કાશ્મીર ખીણમાં ભારત સામે આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા આતંકવાદીઓમાં ઝરગર મોખરે છે. ઝરગરના નામે ઘણા કાંડ બોલે છે ને તેની વાત આપણે નથી કરતા પણ બે કાંડની વાત કરવી જરૂરી છે કેમ કે આ બંને કાંડ આપણી કલંકકથા છે. શરમજનક વાત એ છે કે, આ બંને કાંડ વખતે આપણે ઝરગરને નાકલીટી તાણીને છોડવો પડેલો. આ પૈકી પહેલો કાંડ રૂબિયા સઈદ અપહરણ કાંડ છે. આપણે ત્યાં કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ નેતાઓ કે અધિકારીઓનાં સગાંને ઉઠાવી ગયા હોય એવી બહુ ઘટનાઓ બની છે. આ પૈકી બહુ ગાજેલા બે કેસ મુફતી મોહમ્મદ સઈદ અને સૈફુદ્દીન સોઝની દીકરીઓનાં અપહરણના છે. 1989માં રચાયેલી વિશ્વનાથ પ્રતાપસિંહ સરકારમાં મુફતી મોહમ્મદ સઈદ ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની દીકરી રૂબિયાનું અપહરણ થયેલું.
ઝરગર એ વખતે જેલમાં હતો પણ તેના ઈશારે તેના આતંકી સાથીઓએ 12 ડિસેમ્બર 1989ના રોજ રૂબિયા સઈદનું અપહરણ કર્યું હતું. આતંકવાદીઓએ જેલમાં રહેલા તેમના પાંચ સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. 1989માં બનેલી આ ઘટના વખતે રૂબિયાને છોડાવવા વી.પી. સિંહની સરકાર આતંકવાદીઓનો પગોમાં આળોટી ગયેલી. રૂબિયા સઈદને છોડાવવા શેખ અબ્દુલ હમીદ, ગુલામ નબી બટ્ટ, નૂર મોહમ્મદ કલવાલ, મુહમ્મદ આસિફ અને મુશ્તાક અહમદ શેખ ઝરગર એ પાંચ આતંકવાદીને છોડવા પડેલા. કાશ્મીરના મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા એ વખતે આતંકવાદીઓ સામે ઘૂંટણિયે પડવાની ના પાડતા હતા પણ તેમને કોરાણે મૂકીને પાંચ ખૂંખાર આતંકવાદીઓને છોડી મૂકાયેલા. જેલમાંથી છૂટ્યા પછી 1991માં ઝરગરે અલવર મુજાહિદ્દીન નામે પોતાનું આતંકવાદી સંગઠન બનાવ્યું. ઝરગરે જમ્મુ-કાશ્મીરમાં ઉપરાછાપરી હત્યાકાંડ કરીને ખળભળાટ મચાવી દીધેલો. કાશ્મીરના ઘણા ઉચ્ચઅધિકારી આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા.
ઝરગરે પોલીસ અને લશ્કરની ઊંઘ હરામ કરી નાખેલી તેથી ઝરગરને પકડવા માટે ખાસ પરેશન હાથ ધરવું પડેલું. આ પરેશન સફળ થયું ને 15 મે 1992ના રોજ ઝરગરની ધરપકડ કરવામાં આવી. એ વખતે તેની સામે હત્યા અને અન્ય ગંભીર ગુનાઓના 3 ડઝનથી વધુ કેસ હતા. ઝરગરને હાઈ સિક્યુરિટી જેલમાં રખાયેલો તેથી તેના ભાગવાના ચાન્સ નહોતા. આ રીતે સાત વરસ નિકળી ગયાં ત્યાં કંદહાર કાંડ બન્યો. ભારતના ઈતિહાસનાં સૌથી કલંકિત પ્રકરણોમાં એક કંદહાર કાંડ છે. 24 ડિસેમ્બર 1999ના રોજ નેપાળના કાઠમંડૂથી દિલ્હી આવી રહેલા ઈન્ડિયન રલાઈન્સના પ્લેનને આતંકવાદીઓએ હાઈજેક કરી લીધું હતું. પહેલાં જલંધર પછી દુબઈ ને છેવટે અફધાનિસ્તાનના કંદહારમાં વિમાન ઉતારાયું. એ વખતે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન હતું. આતંકવાદીઓએ પ્લેન અને મુસાફરોને છોડવાના બદલામાં પોતાના ત્રણ સાથી આતંકીઓને મુક્ત કરવાની માંગ કરી હતી.
તત્કાલીન કેન્દ્ર સરકારના વિદેશ પ્રધાન જશવંતસિંહ પોતે મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુશ્તાક અહમદ શેખ ઝરગર એ ત્રણ આતંકવાદીને ખાસ વિમાનમાં કંદહાર મૂકવા ગયેલા. દેશમાં એ વખતે એ હદે આક્રોશ ફાટી નીકળેલો કે લોકો રસ્તા પર ઉતરીને સરકાર સામે દેખાવો કરતા હતા. ઝરગર પાકિસ્તાન ગયો અને ભારત સામે નવેસરથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા લાગ્યો. પાકિસ્તાને 2002માં દાવો કરેલો કે, ઝરગરની ધરપકડ કરાઈ છે પણ આ વાત ખોટી હતી. ઝરગર પાકિસ્તાનમાં રહીને સતત ભારત સામે આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે તેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પેશિયલ એન્ટી ટેરરિઝમ એક્ટ હેઠળ ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો છે.
જો કે સવાલ એ છે કે, આ રીતે ઝરગરને આતંકવાદી જાહેર કરવાથી કોઈ ફરક પડશે ખરો?તેનું કારણ એ કે, આ રીતે કોઈને આતંકવાદી જાહેર કરવાથી તેની સામે કશું કરી શકાતું નથી. ઝરગરને આપણે આતંકવાદી જાહેર કર્યો પણ સૈયદ સલાહુદ્દીન, દાઉદ ઈબ્રાહીમ, હફીઝ સઈદ વગેરેને તો અમેરિકાએ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યા છે પણ તેના કારણે તેમનો વાળ પણ વાંકો થયો નથી. સૈયદ સલાહુદ્દીન, દાઉદ ને હફીઝ હજુય પાકિસ્તાનમાં જ રહે છે ને ભારતને ત્રાસ આપે છે. દાઉદ જાહેરમાં આવતો નથી પણ તેના પોઠિયા ભારતમાં આતંકવાદ ફેલાવતા દેશદ્રોહીઓને તમામ પ્રકારની મદદ કરે જ છે. હફીઝ સઈદ તો જાહેરમાં ભારતને બેફામ ગાળો આપે છે ને ભારતને ખતમ કરી નાખવાના હાકલાપડકારા કરે છે.
ભારતમાં મોટા મોટા આતંકવાદી હુમલા પાછળ તેનો હાથ છે તેવા પુરાવા આપણે આખી દુનિયા સામે મૂક્યા છે ને અમેરિકાને પણ આપ્યા છે, છતાં આપણે તેને કશુ નુકસાન કરી શકતા નથી કે અમેરિકા પણ તેનું કશું બગાડી લેતું નથી. સૈયદ સલાહુદ્દીનના કિસ્સામાં પણ આ વાત લાગુ પડે છે. એ લોકો પાકિસ્તાનમાં ખાય છે, પીએ છે, જલસા કરે છે ને ભારતને બેફામ ગાળો આપે છે. ભારતમાં પોતાના પઠ્ઠાઓને મોકલીને નિર્દોષ લોકોના જીવ લે છે ને આપણે નિરાંતે સૂઈ ના શકીએ તેવા બધા ધંધા કરે છે. હવે ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થયેલા આતંકવાદીને કશું ન થતું હોય તો ઝરગર જેવા પ્રમાણમાં નાના આતંકીને તો શું થાય? ઝરગરને આતંકવાદી જાહેર કરીને આપણે ભલે ખુશ થઈએ, તેનાથી કશું વળવાનું નથી. ઝરગરને પાકિસ્તાનમાં ઘૂસીને ગોળીએ દઈએ તો કામનું છે. એ સિવાય બધું નકામું છે.