હજુ પણ અટકળોનો દૌર ચાલુ છે કે પ્રશાંત કોંગ્રેસને ફરી જીવતી કરશે ?

પાટનગર નવી દિલ્હીમાં કોંગ્રેસ જીવતી કરવાની ધમાલ ચાલે છે. ઈલેક્શન સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોર કૉંગ્રેસને ફરી બેઠી કરવા કૉંગ્રેસમાં જોડાઈ જશે એ નક્કી મનાય છે. પી.કે.એ કૉંગ્રેસમાં જોડાતાં પહેલાં લોકસભાની ચૂંટણીમાં જીતવા કૉંગ્રેસે શું કરવું એ અંગે સોનિયા ગાંધી સહિતના કૉંગ્રેસી નેતાઓ સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. પી.કે.ના પ્રેઝન્ટેશનમાં શું છે તેની આપણને ખબર નથી. પી.કે.કે કૉંગ્રેસના નેતાઓએ સત્તાવાર રીતે મગનું નામ મરી પાડીને પી.કે.ની યોજના શું છે તેનો ફોડ પણ પાડ્યો નથી તેથી મીડિયામાં અટકળ ચાલે છે.

આ અટકળો પ્રમાણે, પી.કે.એ કૉંગ્રેસને લોકસભાની તમામ ૫૪૩ બેઠકો પર લડવાના બદલે બે તૃતિયાંશ એટલે કે માત્ર ૩૭૦ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. સાથે સાથે મહારાષ્ટ્ર, બંગાળ અને તામિલનાડુ એ દેશનાં ત્રણ મોટાં રાજ્યોમાં સાથી પક્ષો સાથે ગઠબંધન કરવાની જ્યારે ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં કોઈ પણ પક્ષનો સાથ લીધા વિના ’એકલા જાને રે’ કરીને લડવાની સલાહ આપી છે. પી.કે.એ આપેલી સલાહ વિશે કૉંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું છે. સોનિયા ગાંધીએ એ.કે. એન્ટની, અંબિકા સોની અને મલ્લિકાર્જુન ખડગેની સમિતિ બનાવી છે. આ સમિતિ તેનો રિપોર્ટ આપે તેના આધારે સોનિયા મેડમ શું કરવું એ નક્કી કરશે. કૉંગ્રેસનાં ઘૈડિયાઓની બનેલી આ સમિતિ શું રિપોર્ટ આપશે એ ખબર નથી પણ પી.કે.ની એ વાત સો ટકા સાચી છે કે કૉંગ્રેસે લોકસભાની તમામ ૫૪૩ બેઠકો પર લડવાના અભરખા છોડી દઈને ૩૭૦ની આસપાસ બેઠકો લડવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કૉંગ્રેસ એક સમયે દેશમાં સૌથી મોટો રાજકીય પક્ષ હતો ને સાચા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ હતો. દેશનો કોઈ ખૂણો એવો નહોતો કે કૉંગ્રેસનું વર્ચસ્વ ન હોય. ભાજપ કેન્દ્રમાં સત્તા પર છે પણ સાચા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ નથી કેમ કે દેશનાં ઘણાં મોટાં રાજ્યોમાં ભાજપનું અસ્તિત્વ જ નથી. કૉંગ્રેસ જેવો પ્રભાવ ભાજપે ઊભો કર્યો નથી તેથી દેશના ઈતિહાસમાં આવેલો એક માત્ર રાષ્ટ્રીય પક્ષ કૉંગ્રેસ જ છે એ સ્વીકારવું પડે. ભવિષ્યમાં ભાજપ કે બીજો કોઈ પક્ષ એવી સ્થિતિ પેદા કરી શકે પણ અત્યાર સુધી તો માત્ર કૉંગ્રેસ જ રાષ્ટ્રીય પક્ષ બની શક્યો છે.

અલબત્ત એ બધી ભૂતકાળની વાતો છે. અત્યારે કૉંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ નથી ને દેશનાં મોટા ભાગનાં મોટાં રાજ્યોમાં સાવ ભૂંસાઈ ગયો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ એ ચાર મોટાં રાજ્યોમાં કૉંગ્રેસ સાવ પતી ગઈ છે. આ ચાર રાજ્યોમાં થઈને લોકસભાની ૨૦૧ બેઠકો છે એ જોતાં લોકસભાની તમામ ૫૪૩ બેઠકો પર લડવાનાં સપનાં કૉંગ્રેસે છોડી દેવાં જોઈએ એવી પી.કે.ની વાત સાવ સાચી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૨, પશ્ર્ચિમ બંગાળમાં ૪૨માંથી ૨, તામિલનાડુમાં ૩૯માંથી ૩ અને બિહારમાં ૪૦માંથી ૧ બેઠક જીતી હતી. મતલબ કે, કૉંગ્રેસે ૨૦૧ બેઠકોમાંથી ૮ બેઠકો જીતી હતી. આ પૈકી તામિલનાડુમાં ડીએમકે સાથે જોડાણ હતું તેથી કૉંગ્રેસે ૩ બેઠકો જીતી હતી. બાકી કદાચ એક પણ બેઠક ના મળી હોત. હવે ૨૦૧માંથી ૮ બેઠકો જીતો તેનો અર્થ એ થાય કે, તમે ૪ ટકા બેઠકો જીતો છે.

આટલી બેઠકો સામાન્ય પક્ષો જીતતા હોય છે તેથી આ ચાર રાજ્યોમાં કૉંગ્રેસનું નામું નખાઈ ગયેલું જ કહેવાય. આ ૨૦૧ બેઠકો કાઢી નાખો તો લોકસભાની ૩૪૨ બેઠકો બચે. આ સંજોગોમાં કૉંગ્રેસ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં બધી બેઠકોના બદલે ૩૭૦ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરે તો વધારે સારાં પરિણામ મેળવી શકે એવી વાતમાં દમ છે જ. પી.કે.એ તેની ફોર્મ્યુલા પાછળ શું ગણિત વાપર્યું છે એ ખબર નથી પણ છેલ્લી ત્રણ ચૂંટણીનાં પરિણામોને ધ્યાનમાં લઈને ગણતરી કરી હોવાનું મનાય છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ૩૫૦ બેઠક પર પ્રથમ અથવા બીજા સ્થાન પર હતી, ૨૦૬ બેઠકો જીતી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં કૉંગ્રેસે ૪૪ બેઠકો પર જીત મેળવી હતી જ્યારે ૨૨૪ બેઠકો પર બીજા નંબરે હતી. મતલબ કે, ૨૬૮ બેઠકો પર કૉંગ્રેસ સ્પર્ધામાં હતી.
૨૦૧૯ની ચૂંટણીમાં કૉંગ્રેસે ૫૨ બેઠકો જીતી હતી જ્યારે ૨૧૦ બેઠક પર બીજા સ્થાને હતી.

મતલબ કે, લોકસભાની ૨૬૨ બેઠક પર કૉંગ્રેસ સ્પર્ધામાં હતી. મોટા ભાગની બેઠકો પર ભાજપ સાથે કૉંગ્રેસની સીધી ટક્કર હતી. સ્વાભાવિક રીતે કૉંગ્રેસને ફરી બેઠી કરવી હોય તો સૌથી આશાવાદી પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરીને એ લેવલે પહોંચાડવાનું લક્ષ્ય રાખવું પડે તેથી ૨૦૦૯ની ચૂંટણીમાં કૉંગ્રેસ ૩૫૦ બેઠક ઉપર પ્રથમ અથવા બીજા સ્થાન પર રહી હતી તેને ધ્યાનમાં રાખીને પી.કે.એ ૨૦ બેઠકોના ઉમેરા સાથે ૩૭૦ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું છે. પી.કે.એ કૉંગ્રેસને મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ અને તામિલનાડુમાં જોડાણની સલાહ આપી હોવાનું કહેવાય છે. આ ત્રણેય રાજ્યોમાં થઈને લોકસભાની ૧૩૯ બેઠક છે. આ પૈકી મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કૉંગ્રેસ અત્યારે શાસક પક્ષો સાથે જોડાણ ધરાવે જ છે તેથી કૉંગ્રેસે માત્ર પશ્ર્ચિમ બંગાળમાં જ મમતા બેનરજી સાથે જોડાણ કરવાનું છે.

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ, શિવસેના અને એનસીપી જોડાણ સત્તામાં છે. ૨૦૧૯માં ત્રણેય રાજકીય પક્ષ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. શિવસેના અને ભાજપ સાથે હતા તેથી શિવસેનાને ૧૮ બેઠકો મળેલી પણ કૉંગ્રેસ-એનસીપી ધોવાઈ ગયેલા. ૨૦૨૪માં ત્રણ પક્ષ સાથે મળી ચૂંટણી લડે તો કૉંગ્રેસને ફાયદો થઈ શકે છે. તામિલનાડુમાં પણ કૉંગ્રેસનું સત્તાધારી સ્ટાલિનની પાર્ટી ડીએમકે સાથે જોડાણ છે. બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ સત્તામાં છે. મમતાએ લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરીને ૨૦૧૯માં ૪૨ પૈકી ૨૨ બેઠક જીતી હતી. ૨ બેઠક પર કૉંગ્રેસે પણ જીત હાંસલ કરી હતી. મમતા સાથે કૉંગ્રેસ જોડાણ કરે છે તો બંનેને ફાયદો થાય.
જો કે કૉંગ્રેસ માટે મહત્ત્વની એ બેઠકો છે કે જ્યાં ભાજપ સાથે તેની સીધી ટક્કર છે. આ બેઠકો કયાં રાજ્યોમાં છે તેની વાત કાલે કરીશું ને કૉંગ્રેસ કેટલાંક રાજ્યોમાં એકલા હાથે લડે તો શું થાય તેની વાત પણ કરીશું.