પાણીના એક એક ટીપાં માટે વરસોથી તરફડતો પ્રદેશ એટલેએ આ બુંદેલખંડ

ઝાંસી વાલી રાની થી… બુંદેલે હર બોલો કે મુંહ હમને સુની કહાની થી… ખુબ લડી મર્દાની વહ તો… ઝાંસી વાલી રાની થી.. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિ બુંદેલખંડનો ઈતિહાસ ભારતના ઈતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલો છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના સ્ટેચ્યૂ ગુજરાત સહિત ભારતના દરેક રાજ્યમાં છે પરંતુ ઝાંસીની રાણીનો એ પ્રદેશ બુંદેલખંડ સરકારોને ભુલાઈ ચૂક્યો છે. આપણને એવું છે કે આપણે ફક્ત પૂર્વોત્તરના રાજ્યો- સેવન સિસ્ટર્સ તરફ બહુ પ્રાધાન્ય નથી આપતા. એ વાત અર્ધસત્ય છે. આપણે ભારતની વચ્ચોવચ્ચ આવેલા પ્રદેશની દયનીય હાલત સામે પણ આંખ આડા કાન કરી દઈએ છીએ. છલ્લે ચારેક દાયકાથી બુંદેલખંડની હાલત એવી છે કે જાણે તેનું અસ્તિત્વ હોય જ નહિ. કેન્દ્ર સરકાર, પછી તે કોઈ પણ પક્ષની કેમ ન હોય, આ વેરાન ધરતી પર લીલીવાડી કરી શકી નથી. મધ્ય પ્રદેશ કે ઉત્તર પ્રદેશની કોઈ પણ સરકારના શાસનમાં બુંદેલખંડની હાલત ઓરમાન દીકરાના ભાઈબંધ જેવી જ રહી છે.
હિન્દુસ્તાનમાં ભૂલથી પણ પગ ન મૂકવા લાયક સ્થળોની યાદી બનાવો, ભારતમાં નરક જેવું જીવન વ્યતીત કરતા લોકોની પ્રદેશવાર યાદી બનાવો, જ્યાં જિંદગીની કિંમત સાવ સસ્તી હોય એવા વિસ્તારની યાદી બનાવો તો બુંદેલખંડ એ યાદીમાં ટોચ ઉપર હોય. પાણી વિનાનો માણસ અને નપાણીયો વિસ્તાર હંમેશાં હડધૂત થયા કરે. બધી ધરતીના નસીબ કચ્છ જેવા ન હોય કે જ્યાં રણમાં ગુલાબ ખીલવી શકાય. બુંદેલખંડ ભારતનો સૌથી સુક્કો ખંડ છે. એ પ્રદેશમાં વાદળાં પણ જાણે ઉપકાર કરતા હોય એ રીતે બુંદેલખંડના આકાશમાંથી ક્યારેક ક્યારેક ગેસ્ટ અપીઅરન્સ આપતા હોય છે. જો ભૂલેચૂકે થોડા છાંટા પડી જાય તો ત્યાંના રહેવાસીઓને વિશ્ર્વાસ નથી આવતો હોતો કે આ સપનું છે કે હકીકત. ઓન રેકોર્ડ, એ વાત સિદ્ધ થયેલી છે કે બુંદેલખંડનો ખેડૂત ભારતના દુ:ખીમાં દુ:ખી ખેડૂતોમાં ગણાય છે. બુંદેલખંડ એટલે સુક્કોભઠ્ઠ, નપાણીયો, વેરાન, ઉજ્જડ પ્રદેશ. આ વિસ્તારના લોકો સાથે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે દાયકાઓ સુધી ઓરમાયું વર્તન કર્યું છે.
બુંદેલખંડમાં પાણીની ગજબની તંગી છે. ભૂ-તળમાં પાણી નથી. જે તે સમયની સરકારે હજારોની સંખ્યામાં કૂવા બનાવી તો નાખ્યા છે પરંતુ તે બધા કૂવાનું તળિયું દેખાતું હોય છે. ભ્રષ્ટાચાર એટલો બધો છે કે જૂના કૂવાનું સમારકામ કરીને તેનું બીલ નવા કૂવાના બાંધકામ તરીકે રજૂ થાય છે. એક કૂવાના ખોદકામનો ખર્ચો સાડા ચારથી પાંચ લાખ બતાવવામાં આવે છે. આ કૂવા-સ્કેમ હજારો કૂવા સાથે સંકળાયેલો છે. તે પ્રદેશના લોકો બહુ ભણેલા નથી એટલે અધિકારીઓ કે નેતાઓની આવી ભ્રષ્ટ કારી ત્યાં ફાવી જાય છે. કોમીક ટ્રેજેડી એ છે કે તે વિસ્તારમાં કોઈ નદી વહેતી ન હોવા છતાં સંખ્યાબંધ ચેકડેમ બાંધી દેવામાં આવ્યા છે. કોરાકટ્ટ રહેલા એ ચેકડેમ, બીલ પાસ કરવા માટેનું અને સરકારી ગ્રાન્ટને ખિસ્સામાં સેરવવાનું માધ્યમ માત્ર છે. કૂવા ખોદવા અને ચેકડેમ બનાવવા પાછળનું ગણિત એ છે કે ભ્રષ્ટ અધિકારીઓને પૈસા મળે અને મધ્ય પ્રદેશની જનતા “ઓન પેપર’ પાણીવાળી ગણાય.
જે તે સરકારે ત્યાંના ગામડામાં વસતા લોકોને ઘરદીઠ શૌચાલયો બનાવી આપ્યા છે. એ શૌચાલયોમાં તે ગરીબજનો પાણીનું માટલું અને ઘરનો સામાન રાખે છે. કારણ કે નળમાં પાણી આવતું ન હોવાથી તે શૌચાલયનો ઉપયોગ થતો નથી. ખુલ્લામાં કુદરતી ક્રિયાઓ કરવા જવું પડે છે. વિદ્યાબાલનની સરકારી જાહેરાતની અસર અહીં થઇ શકે તેમ નથી. વર્ષોથી સુક્કા પડેલા કૂવાઓની હાલત એવી તે બિસમાર છે કે નાનું બાળક પણ ધક્કો મારીને તેની દીવાલ તોડી શકે. એક ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ ઓન-કેમેરા એક કૂવાની દીવાલની ઈંટ ઉખેડી બતાવી. આ દ્રશ્ય દર્શાવે છે કે કૂવાનું બાંધકામ હલકી ગુણવત્તા સાથે થયું છે. ત્યાં વસતા ગરીબ લોકોની હાયને પણ પચાવી ગયેલા ભ્રષ્ટ અધિકારીઓ કે નેતાઓ બુંદેલખંડને સતત અવગણી રહ્યા છે.
બુંદેલખંડ વિસ્તાર મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં વહેંચાયેલો છે. ઝાંસી અને સાગર આ વિસ્તારના મોટા ગામો છે. બુંદેલખંડમાં ઘણા જીલ્લાઓ આવેલા છે. બુંદેલખંડ નામના અલગ રાજ્યની માગણી ઘણા વર્ષોથી ચાલુ છે. માયાવતીની સરકારે કેન્દ્ર સરકાર સામે પ્રપોઝલ મૂકી હતી કે બુંદેલખંડ નામનું નવું રાજ્ય રચવામાં આવે જેમાં મધ્ય પ્રદેશના છ જીલ્લાઓનો સમાવેશ થાય. બુંદેલખંડ મુક્તિ મોરચા અને બુંદેલખંડ અકીકીર્ત પાર્ટી નામના રાજકીય સંગઠનો કાર્યરત છે. ભારતીય જનતા પાર્ટીના ઉમા ભારતીએ તો 2014 માં ઝાંસીમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે વચન આપ્યું હતું કે જો તેઓની સરકાર સત્તામાં આવશે તો બુંદેલખંડ નામનું રાજ્ય ફક્ત ત્રણ વર્ષની અંદર અસ્તિત્વમાં આવશે. કોંગ્રેસના નેતા પ્રદીપ જૈન આદિત્યે પણ એ જ ચૂંટણી દરમિયાન આવું વચન આપેલું. બંને પક્ષના નેતાઓને કહેવાનું કે અલગ રાજ્ય ન આપો તો કઈ નહિ, પાણી તો પહોંચાડો. ત્યાંના ખેડૂતો અને ગ્રામવાસીઓના બદતર જીવનમાં થોડી તો ખુશહાલી લાવો.
ઉત્તર પ્રદેશની સરકારના સહયોગમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે. કેન અને બેતવા નામની બંને નદીઓનું પાણી ભેગું કરીને બુંદેલખંડ સુધી પહોંચાડવામાં આવશે એવી જાહેરાત થઇ છે. સાડા ચુમાલીસ હજાર કરોડનો આ પ્રોજેક્ટ પૂરો થતાં કેટલા વર્ષ લાગશે? આઠ વર્ષ! આ પ્રોજેક્ટના કારણે ઉત્તર પ્રદેશના ચાર અને મધ્ય પ્રદેશના છ જીલ્લાઓને ભરપૂર પાણી મળશે. છેલ્લા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તેની શરૂઆત થઇ નથી. આ પ્રોજેક્ટ પાર પાડવામાં પર્યાવરણને થતું નુકસાન, વાઈલ્ડ લાઈફના જીવોનું સંવર્ધન, અમુક ગ્રામવાસીઓનો પુનર્વસવાટ તેમજ પન્ના ટાઈગર રિઝર્વની દસ ટકા જમીનને આ પ્રોજેક્ટમાં સમાવવાનો પડકાર રહેલો છે. ઉત્તર પ્રદેશના જલમંત્રી દેવસિંહ હરે તો “હર ઘર નલ યોજના’ હેઠળ ગામડાઓની શું સ્થિતિ છે તે જાણવા વિંધ્ય અને બુંદેલખંડના એક એક ગામની મુલાકાત લેવાની જાહેરાત કરી છે. પરંતુ પડકારો એટલા છે કે આ સુક્કા વિસ્તારને હરિયાળો કરવામાં હજુ દાયકાઓ નીકળી જશે એવું લાગે છે. ત્યાં સુધી ત્યાં રહેતા લોકો નસીબના ભરોસે બહુ દુખદ જીવન ગાળી રહ્યા છે તેની અનુભૂતિ દરેક નેતા અને દરેક ભારતીયને હોવી જોઈએ.તુલસીદાસ, કેશવદાસ, તાત્યા ટોપે, મેજર ધ્યાનચંદ, મહારાજ છત્રસાલ, રાણી અવંતીબાઈ, બાજીરાવની મસ્તાની, રાણી દુર્ગાવતી, ઓશો રજનીશ, હરિશંકર પરસાઈ, મૈથિલી શરણ ગુપ્ત જેવા અનેક મહાન બુંદેલીઓનો તે ખંડ આજે રસકસ વિનાનો થઇને સૂરજના ધોમધખતા તાપમાં સળગી રહ્યો છે અને ત્યાં રહેતા લોકો ખૂબ પીડાદાયક જીવન પસાર કરી રહ્યા છે.