બે વરસનો પોરો ખાધા પછી સમગ્ર ભારત પર ત્રાટકશે હોલિવૂડની દિલધડક ફિલ્મો

બહુદેશીય ફિલ્મો શબ્દયુગ્મ ઉપર ભાર મુકવા જેવો છે. હોલીવુડ હવે તેની ફિલ્મોને કસ્ટમાઈઝ્ડ કરી રહી છે. જે તે દેશ-પ્રદેશમાં પોતાની પ્રોડક્ટ વધુ ચાલે એ રીતે તેની માવજત થઇ રહી છે. દરેક ફિલ્મનું પ્રેઝન્ટેશન અને રિલીઝ એવી રીતે કરવામાં આવે છે કે જુદા જુદા દેશના લોકો હોલીવૂડની એક જ ફિલ્મ સાથે પોતપોતાની રીતે કનેક્ટ કરી શકે અને બીજા લોકોને ફિલ્મ જોવા જવા માટે પ્રેરણા આપે. બે વર્ષના કોરોનાકાળે ફિલ્મ નિર્માતાઓને એક નવી વૈશ્ર્વિક સૂઝ અર્પી છે. સિનેમેટીક મનોરંજનની વ્યાખ્યા બદલાઈ છે. બે વર્ષના ગૃહનિવાસ દરમિયાન લોકોએ હોલીવૂડની ફિલ્મો પોતાની માતૃભાષામાં જોઈ છે. ડબ થયેલી ફિલ્મોનું એક મોટું બજાર ઉભરી આવ્યું છે.

ફિલ્મો અને વેબસિરીઝ બનાવતી વખતે જ તે પ્રોડક્ટના મેકિંગ માટે હવે એક કરતા વધુ ભાષા નક્કી થઇ ગઈ હોય છે. ફક્ત એક જ ભાષા અર્થાત ઈંગ્લિશમાં જ રિલીઝ કરવાનું કોઈ નિર્માતાને પરવડે એમ નથી. સુપરહીટ આરઆરઆર જેવી સાઉથ ઇન્ડિયાની ફિલ્મ હિન્દીમાં મોટા પાયે રિલીઝ થઇ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘ન્યુ નોર્મલ’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હોલીવૂડની ફિલ્મો કે વેબ સિરીઝનો સ્કેલ બહુ મોટો હોય છે. તેનું પ્રોડક્શન બજેટ આસમાનને સ્પર્શતું હોય છે. પણ તે ફિલ્મોને ત્યાંના ટૂંકા પનાની સ્થાનિક ઓડીયન્સ વચ્ચે રિલીઝ થવું પડતું હોય છે. વધીને કોઈ પ્રચલિત હીરો ધરાવતી ફિલ્મ હિન્દીમાં ડબ થઈને ઇન્ડિયામાં રિલીઝ થાય. છેલ્લા દસ વર્ષમાં હોલીવૂડના મોટા મોટા પ્રોડક્શન હાઉસને સમજાયું છે કે ઇન્ડિયાનું જાયન્ટ માર્કેટ સર કરવું હોય તો ફક્ત હિન્દી ભાષામાં ડબિંગ કરી નાખવાથી કામ નહિ ચાલી જાય.

થિએટરમાં જઈને ફિલ્મ જોવાના શોખીન ભારતીયોમાં હિન્દીભાષીઓ ઉપરાંત તેલુગુ અને તમિલ લોકો અગ્રેસર છે. માટે તે ફિલ્મો કે સિરીઝને તમિલ અને તેલુગુમાં રૂપાંતરિત કરવી ફરજીયાત થઇ ગઈ છે. બંગાળ બહુ સમૃદ્ધ પ્રદેશ નથી પણ ગુજરાતીઓ કરતા બંગાળીઓની વસ્તી વધુ છે. મરાઠીઓ પણ કરોડોની તાદાદમાં છે. ધીમે ધીમે હોલીવૂડ પ્રોડ્યૂસરોએ તમિલ અને તેલુગુ ઉપરાંત મરાઠી અને બંગાળી ભાષા ઉપર પણ વધુ ધ્યાન આપવું પડશે. ક્ધનડભાષીઓનો ફિલ્મ જોવા જતો વર્ગ પણ અવગણી શકાય નહિ તેટલો મોટો છે.

ગુજરાતીઓ દરિયાદિલ પ્રજા છે. તેમની એવી ડિમાન્ડ જ નથી કે કોઈ ઈંગ્લિશ પિક્ચર ગુજરાતીમાં ડબ થાય. ઈંગ્લિશ ફિલ્મ ઈંગ્લિશ ભાષામાં જોવી એ ગુજરાતીઓ માટે અચીવમેન્ટથી ઓછું નથી. હોલીવૂડના નિર્માતાઓ એશિયન માર્કેટનું ગ્લોબલ માર્કેટમાં સ્થાન અને વજન સમજી ગયા છે. એશિયા વિના તેઓના ધંધા થાય એમ નથી. યુરોપ સાંસ્કૃતિક રીતે બહુ સમૃદ્ધ છે. ત્યાં ઓપેરા, નાટકો, લાઈવ-શો, કોન્સર્ટ, ફૂટબોલ  ઈત્યાદી ખૂબ પ્રમાણમાં થતા હોય છે. જેમ ભારતીયો મનોરંજન બાબતે ક્રિકેટ અને સિનેમા ઉપર હાવી છે એવું યુરોપમાં નથી. માટે ફિલ્મોનું માર્કેટ ચાઈના અને ઇન્ડિયામાં મળે એ નક્કી છે. કોરોનાને કારણે ચાઈનીઝ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બે બિલિયન ડોલરનું નુકસાન થયું છે. કોરીયન સિનેમા તો સૌથી વિકાસશીલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે.

તેમણે તો તેમની સિરીઝ કે ફિલ્મો ઈંગ્લિશ ઉપરાંત બીજી પંદરેક ભાષામાં તૈયાર કરી જ રાખવી પડે છે. અત્યારે કોરીયન વિડીયો કોન્ટેન્ટની જેટલી માંગ છે એટલી એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની માંગ નથી. હોલીવૂડ કોરિયાથી ડરે છે. સ્પાઈડરમેન ફિલ્મ ફ્રેન્ચાઈઝીનું ઉદાહરણ લઈએ. છેલ્લા પંદર વર્ષમાં ત્રણ નવા ચહેરાઓ સ્પાઈડરમેન તરીકે આવ્યા. છેલ્લા સ્પાઈડરમેનનો ભાઈબંધ એક ચાઇનીઝ છોકરો છે. સુપરહીરોના ભાઈબંધના પાત્રને ચાઇનીઝ બનાવવાનું કારણ એશિયન માર્કેટને આકર્ષવાનું છે. હોલીવૂડની હવે દર બીજી ફિલ્મમાં એકાદી હિન્દી એક્ટર હોય છે. હિન્દી ફિલ્મ કે હિન્દી ગીતનો સમાવેશ પણ ઈંગ્લિશ ફિલ્મમાં હવે સામાન્ય થઇ ગયો છે.

ઇન્ડિયાનો ઉલ્લેખ પણ દર ત્રીજી ઈંગ્લિશ ફિલ્મમાં થતો હોય છે. અહીંના ઓડીયન્સને રીઝવવા માટે વાર્તામાં એવા વળાંકો નાખવા પડે છે જે ભારતીય દર્શકોને ગમે, ચાઇનીઝ ઓડીયન્સની સંવેદનાઓ ઝંકૃત કરે અને જાપાનીઝ દર્શકને રીઝવે. ઈંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગુમાં ફેન્ટાસ્ટિક બીસ્ટસ આ મહિને આવી રહી છે. માર્વેલનો સુપરહીટ સુપરહીરો ડૉક્ટર સ્ટ્રેન્જ આ ચાર ભાષા ઉપરાંત ક્ન્નડ અને મલયાલમમાં બોલતો મોટા પડદે દેખાઈ રહ્યો છે. આ વખતે ડૉક્ટર સ્ટ્રેન્જ એક યુનિવર્સ નહિ પણ મલ્ટીવર્સમાં છે અને તે વળી બહુભાષીય/મલ્ટી-લીન્ગ્યુઅલ છે. મોર્બીયસ નામની એક્શન સાયન્સ ફિક્શન ફિલ્મ પણ આવી રહી છે. માર્વેલમાં બાળકોમાં વધુ પ્રિય એવા થોરની નવી ફિલ્મ પણ ભારતીય ભાષાઓમાં રીલીઝ થઇ રહી છે.

તેનું નામ છે – થોર: લવ એન્ડ થન્ડર. ભારતીયોની ઓલટાઈમ ફેવરીટ ઈંગ્લિશ ફિલ્મ એટલે જુરાસિક પાર્ક. તેનું જ નવું ઇન્સ્ટોલમેન્ટ જુરાસિક વર્લ્ડ: ડોમિનિયન જુન મહિનામાં આવશે. આ પ્રકારની એડવેન્ચર સાઈ-ફાઈ ફિલ્મ જેમાં કાલ્પનિક જાનવર હોય તે ગ્લોબલ ઓડીયન્સને એક તાંતણે જકડી શકે. ડાયનોસોર તો જગતભરના બાળકોને પ્રિય હોય છે. ટોમ ક્રુઝની ફ્રેન્ચાઈઝી મિશન ઈમ્પોસીબલનો સાતમો ભાગ પણ થોડા અઠવાડિયામાં રિલીઝ થશે. બેશક, તે હિન્દી ઉપરાંત બીજી ભારતીય ભાષાઓમાં ડબ થયેલી ફિલ્મ હશે.
આવી સંખ્યાબંધ ફિલ્મો ને ઢગલાબંધ વેબસિરીઝ આવી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી રહેલા કોન્ટેન્ટના નિર્માતાઓ હવે પ્રાદેશિક ભાષાનું ખાસ ધ્યાન રાખે છે.

ફ્રાન્સ, આયર્લેન્ડ, જાપાન જેવા દેશોમાં સિનેમાગૃહો ધમધમવા લાગ્યા છે. કતાર જેવા મુસ્લિમ દેશોમાં પણ આવી ફિલ્મોને ખૂબ વકરો થાય છે. આ દેશોમાં ફિલ્મ રિલીઝ કરવા માટેની પૂર્વશરત જ એ હોય છે કે ફિલ્મ ત્યાંની લોકલ ભાષામાં ડબ થયેલી હોવી જોઈએ અને નીચે ઈંગ્લિશ સબટાઈટલ હોવા જોઈએ. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલોની સંખ્યા હવે ભારતમાં વધી ગઈ છે. અહી ફિલ્મ ફેસ્ટીવલમાં દુનિયાભરમાંથી આવેલા જુદા જુદા દેશના બહુભાષી નિર્માતાઓનું ધ્યાન ખેચવા માટે ફિલ્મ જુદી જુદી મુખ્ય ભાષામાં ડબ થઈને સબટાઈટલ સાથે તૈયાર હોય તે જરૂરી છે. ફિલ્મો અને જુદી જુદી ભાષા વચ્ચે આવું સાયુજ્ય સિનેમાના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. વીડિયો કોન્ટેન્ટના આ સુવર્ણયુગમાં આપણે જીવી રહ્યા છીએ.