છોડ આયે હમ વો ગલિયાઁ : ગાયક કે. કે.ના અણધાર્યા અવસાનથી ચાહકોમાં સન્નાટો !

હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે છેલ્લાં બે વર્ષ બહુ કપરાં સાબિત થયાં છે. એક તરફ મોટી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધબોનારાયણ થઈ રહી છે તો બીજી તરફ બોલીવૂડની એક પછી એક હસ્તીઓ વિદાય લઈ રહી છે. મંગળવારે રાત્રે આ યાદીમાં વધુ એક નામ બોલીવૂડના જાણીતા અને લોકપ્રિય પાર્શ્ર્વગાયક કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કે.કે.નું ઉમેરાઈ ગયું. કે.કે. મંગળવારે રાત્રે કોલકાતામાં વિવેકાનંદ કૉલેજમાં નઝરુલ મંચના કોન્સર્ટમાં ગાઈ રહ્યા હતા. બે કલાક સુધી ગાયા પછી છેલ્લું ગીત પૂરું કર્યા પછી બેક સ્ટેજ ગયા ને અચાનક જ તેમની તબિયત બગડતાં લથડીને  પડી ગયા હતા. કે.કે.ને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ એ પહેલાં જ ખેલ ખતમ થઈ ગયો હતો.

હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કે.કે.ને મૃત જાહેર કર્યા અને એક અદ્ભૂત ગાયકની જીવનલીલા અકાળે સંકેલાઈ ગઈ. કે.કે.ની વય માત્ર ૫૩ વર્ષ જ હતી ને આ ઉંમર ગુજરી જવાની ના જ કહેવાય એ જોતાં કે.કે.નું મોત અકાળે જ નથી પણ આઘાતજનક પણ છે. કે.કે. હિન્દી ફિલ્મોના મહાનતમ ગાયકોમાં નહોતા ગણાતા. મોહમ્મદ રફી, મુકેશ, કિશોરકુમાર, મન્નાડે વગેરે ધુરંધર ગાયકોની સમકક્ષ ગણવાનો તો સવાલ જ પેદા થતો નથી પણ તેમના સમકાલિન ગાયકોની સરખામણીમાં પણ કે.કે.નાં ગીતો બહુ ઓછાં છે પણ કે.કે. પાસે સાંભળનારના દિલમાં ઊતરી જાય એવો અવાજ હતો. આ કારણે જ બહુ ઓછાં ગીતો ગાયાં હોવા છતાં કે.કે. લોકોને યાદ છે, તેમનાં ગીતો લોકોને યાદ છે.

કે.કે.ની ખાસિયત એ હતી કે તેમણે પોતે પોતાની આગવી સ્ટાઈલ વિકસાવી. હિન્દી ફિલ્મ સંગીતમાં ૧૯૯૦ના દાયકાથી જ ગાયકોની નવી પેઢી આવી ગઈ હતી. મોહમ્મદ રફીના નિધનના કારણે પેદા થયેલો શૂન્યાવકાશ પૂરવા માટે આવેલા શબ્બીર કુમાર અને અનવર જેવા ગાયકો શરૂઆતની સફળતા પછી લાંબુ ન ચાલ્યા પણ ૧૯૮૦ના દાયકાના અંતમાં આવેલા મોહમ્મદ અઝીઝ અને ૧૯૯૦ની શરૂઆતના દાયકામાં આવેલા સોનુ નિગમ જામી ગયા. કિશોરકુમારના નિધનના કારણે પેદા થયેલો શૂન્યાવકાશ તેમના પુત્ર અમિત કુમારે પૂર્યો પણ અમિત કુમારને બહુ જલદી વૈરાગ્ય આવી ગયો તેથી કુમાર શાનુ અને અભિજીતે એ જગા લીધી. વિનોદ રાઠોડે પણ થોડાંક સારાં ગીત ગાયાં. ઉદિત નારાયણના રૂપમાં રફી અને કિશોરના મિશ્રણ જેવો અવાજ પણ આવ્યો. આ ગાયકો ૧૯૯૦ના દાયકામાં છવાયેલા રહ્યા પણ ૨૦૦૦ના દાયકામાં નવા સંગીતકારો આવ્યા ને તેમના કારણે નવા ગાયકો પણ આવ્યા.

કે.કે. ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નથ આ ગાયકોમાં એક હતા. ૧૯૯૦ના દાયકાથી જ ભારતીય ફિલ્મ સંગીત પર એ.આર. રહેમાનનો જાદુ છવાવા માંડેલો. રહેમાને ઘણા નવા ગાયકોને તક આપી ને કે.કે. તેમાં એક હતા. કે.કે. પહેલાં રહેમાનના મ્યુઝિક એરેન્જર રણજિત બારોટ અને લેસ્લી લુઈસ માટે જિંગલ્સ એટલે કે જાહેરખબરોનાં ગીત ગાઈ ચૂક્યા હતા. બંનેએ કે.કે.નો પરિચય રહેમાન સાથે કરાવ્યો. રહેમાને ૧૯૯૬માં કાધલ દેસમ માટે કે.કે. પાસે પહેલું ગીત ગવડાવ્યું. આ ગીત સુપરહિટ નિવડ્યું તેના કારણે વિશાલ ભારદ્વાજે ગુલઝારની માચિસમાં છોડ આયેં હમ વો ગલિયાં ગીત આપેલું. આ ગીતો ચાલ્યાં પણ તેના કારણે બોલીવૂડના દરવાજા ના ખૂલ્યા. કે.કે. માટે બોલીવૂડમાં સફળતા સંજય લીલા ભણશાળીની હમ દિલ દે ચૂકે સનમ લઈ આવી.

હમ દિલ દે ચૂકે સનમના સંગીતકાર આપણા સુરતી ઈસ્માઈલ દરબાર હતા કે જે રહેમાન સહિત ઘણા સંગીતકારો સાથે વાયોલિનિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા હતા. કે.કે.ના અવાજથી પ્રભાવિત ઈસ્માઈલ દરબારે કે.કે. પાસે તડપ તડપ કે ઈસ દિલ સે ગીત ગવડાવ્યું. ફિલ્મનાં ગીતોને દોરદાર લોકપ્રિયતા મળેલી પણ કે.કે. અને ડોમિનિક સીરજેના ગીતે ધૂમ મચાવી દીધેલી. આ ગીતે કે.કે.ને બોલીવૂડમાં પ્લેબેક સિંગર તરીકે સ્થાપિત કરી દીધા. કે.કે.ની બોલીવૂડમાં કારકિર્દી બે દાયકા કરતાં વધારે જૂની છે પણ તેમનાં હિન્દી ફિલ્મી ગીતોની સંખ્યા હજારથી વધારે નથી. એ જ પેઢીના બીજા ગાયકોની સરખામણીમાં આ આંકડો બહુ નાનો છે પણ કે.કે.એ ઘણાં એવાં ગીતો ગાયાં કે જે કોઈ કદી નહીં ભૂલી શકે. તડપ તડપ કે ઉપરાંત ‘દસ’નું ‘દસ બહાને’, ‘ગુંડે’નું ‘તુને મારી એન્ટ્રીયા’, ‘બચના એ હસીનોં’નું  ‘ખુદા જાને’, ‘કાઈટ્સ’ના ‘જિંદગી દો પલ કી’, ‘જન્નત’નું ‘જરા સી દિલ મેં દે જગા તુ’, ‘ગેંગસ્ટર’નું ‘તુ’હી મેરી શબ હૈ’, શાહરુખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’નું ગીત ‘આંખો મેં તેરી અજબ સી’, બજરંગી ભાઈજાનનું ‘તુ જો મિલા’, ઈકબાલનું ‘આશાએં’,  અજબ પ્રેમ કી ગજબ કહાની’નું  ‘મૈ તેરા ધડકન’ વગેરે આજેય સાંભળવા ગમે એવાં અદ્ભુત ગીત છે.

આ તો જીભે ચડ્યાં એ ગીતોની યાદી આપી પણ આ યાદી બહુ લાંબી છે. કે.કે.એ ફિલ્મોમાં પગ જમાવ્યા એ પહેલાં પલ નામે આલબમ બહાર પાડેલું. આ આલબમનું યારોં, દોસ્તી કા નામ હૈ ગીત તો યુવાઓનું થીમ સોંગ બની ગયેલું. સ્કૂલ-કૉલેજોનાં કોઈ મ્યુઝિકલ શૉ કે ટેલન્ટ શૉ એવા નહીં હોય કે જેમાં આ ગીત ના ગવાતું હોય.
કે.કે.નું નિધન શૉ બિઝનેસનું દબાણ સહેવાય નહીં એવો તણાવ પેદા કરે છે ને છેવટે તમને ખતમ કરી નાંખે છે તેનો પુરાવો છે. કે.કે.એ તેમની કારકિર્દીમાં અદ્ભુત ગીતો ગાયાં અને દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું પણ છેલ્લાં કેટલાંક વરસોથી તેમને તક નહોતી મળતી. ૨૦૧૧ કે.કે.ની કારકિર્દી માટે સુવર્ણ વર્ષ હતું પણ પછી તેમને મળતાં ગીતોની સંખ્યા ઘટતી ગઈ. છેલ્લાં પાંચેક વર્ષ તો એવાં ગયાં કે જ્યારે વર્ષમાં માંડ દસેક ગીતો જ મળતાં. આ કારણે કે.કે. કોન્સર્ટ્સ તરફ વળ્યા હતા.

કોન્સર્ટ્સમાં પણ ભારે સ્પર્ધા છે ને બધા તેમાં સફળ થતા નથી તેથી તેમાં ટકવા માટે પણ બહુ મહેનત કરવી પડતી હતી. આ મહેનત અને દબાણ કદાચ કે.કે. સહન ના કરી શક્યા. હિન્દી ફિલ્મ સંગીતમાં કે.કે.નું યોગદાન ઓછાં ગીતો છતાં મધુરું છે. આ ગીતો સાંભળીશું ત્યારે ત્યારે કે.કે. યાદ આવશે જ.