ગુજરાતે વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી છે : શ્રી નરેન્દ્ર મોદી

સુરત,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવસારીના ખુડવેલ ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાનમાં વિશાળ જનશક્તિને સંબોધન કરતા ગૌરવ સહ જણાવ્યું કે, સુશાસનના આઠ વર્ષ અમે દેશના ગરીબોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સમર્પિત કર્યા છે. વિકાસ કામો એ અમારા માટે કોઇ રાજકીય બાબત નથી, પણ એ અમારો સેવાનો સંકલ્પ છે અને તેને પૂર્ણ કરી રહ્યા છીએ.
ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. 3050 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ નવસારી ખાતે અંદાજીત રૂ. 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ ભૂમિપૂજન કર્યું હતું.
આદિવાસી સામર્થ્ય અને સંકલ્પની ભૂમિ પર ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી બનવું એ મારા માટે પણ ગર્વની વાત છે તેવું કહેતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી છે. વિકાસ માટે નવી આકાંક્ષા અને અપેક્ષાઓ ઉભી થઇ છે, તેને ગુજરાતની ડબલ એન્જીનની સરકાર પ્રમાણિક્તાથી આગળ વધારી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શ્રી સી. આર. પાટીલની જોડી લોકોમાં નવો ઉત્સાહ જગાવી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, કેટલાક લોકોને એવું લાગે છે કે ચૂંટણી આવે એટલે વિકાસના કામો કરવામાં આવે છે. પરંતુ આ લોકોને મારો પડકાર છે કે મારૂ એક પણ અઠવાડિયું એવું શોધી લાવે કે જેમાં અમે વિકાસનું કામ ના કર્યું હોય. વિકાસ એ અમારા માટે રાજનીતિનો વિષય નથી, પણ એ અમારી લોકસેવાની પ્રતિબદ્ધતા અને લોકકલ્યાણનો અવસર છે. તેનાથી જ અમને જનતાના આશીર્વાદ મળે છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે જ્યાં માનવી ત્યાં સુવિધાનો ધ્યેય પાર પાડ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો માર્ગ બતાવ્યો છે
ટીમ ગુજરાત’’ વડાપ્રધાનશ્રીના ચિંધેલા રાહ પર ચાલવા સંકલ્પબદ્ધ છે.
ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે નેવાના પાણીને મોભે ચઢાવવાની વડાપ્રધાનશ્રીની દ્રઢ ઈચ્છાશક્તિને કારણે આજે ડુંગરાળ પ્રદેશોમાં પણ, પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત સાંસદ-ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો સહિત વિશાળ સંખ્યામાં આદિજાતિ બાંધવો ઉપસ્થિત રહ્યા .