વિશ્ર્વ યોગ દિવસમાં જોડાવા કલેક્ટરશ્રીનું આહવાન

અમરેલી,
21 જુનનાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્ર્વમાં કરવામાં આવે છે કોરોનાના કારણે બે વર્ષ યોગ દિવસની ઉજવણી થઇ શકેલ નહી ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 21 જુનનાં 8 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય શાળા, કોલેજ, અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓ, જિલ્લા જેલ, પોલીસ સ્ટેશન, સી.એચ.સી. અને પી.એચ.સી. આરોગ્ય કેન્દ્ર તથા જિલ્લાના આઇકોનીક સ્થળો પર તમામ કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લાના દિવ્યાંગ અને રમત ગમત ક્ષેત્રે સિધ્ધીઓ મેળવેલ ખેલાડીઓ પણ જિલ્લા કક્ષાની યોગ દિવસ ઉજવણીમાં ભાગ લેશે આ કાર્યક્રમો ભવ્ય રીતે અને સફળતાપુર્વક યોજાય અને તેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવો તરીકે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય કક્ષાના વિશ્ર્વ યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન દેશના પ્રતિષ્ઠિત સ્થળો પૈકીના મૈસુર પેલેસના પ્રાંગણમાંથી થનાર છે તથા રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી શ્રીનું સંબોધન સાબરમતી રીવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર અમદાવાદથી થનાર હોય જેનું લાઇવ ટેલીકાસ્ટ પણ સમગ્ર રાજ્યમાં થનાર છે. આ યોગ દિવસના કાર્યક્રમમાં પતંજલી, આર્ટ ઓફ લીવીંગ, બ્રહ્માકુમારી સંસ્થા, રોટરી કલબ, જિલ્લા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, લાયન્સ કલબ મેઇન અમરેલી, સદભાવના ગ્રુપ, એબીવીપી, વેપારી એસો. જિલ્લા હોમગાર્ડ, ભારતીય કિસાન સંઘ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, રેડક્રોસ સોસાયટી, લાયન્સ કલબ રોયલ, સિનિયર સીટીઝન સોસાયટી, બી.એ.પી.એસ. સ્વામિ નારાયણ સંસ્થા વેપારી મંડળ, નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ, જિલ્લા ડાયમંડ સેલ સહિતની સ્વૈચ્છીક સંસ્થાઓ જોડાશે તેમ જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ પત્રકારોને માહિતી આપી હતી.