અમરેલી જિલ્લામાં 2.19 લાખ હેકટરમાં ચોમાસુ વાવેતર કરાયા

અમરેલી,અમરેલી જિલ્લામાં ચોમાસામાં સારો વરસાદ થવાની આશા સાથે પિયતની સુવિધા ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા 2.19 લાખ હેક્ટરમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડી ગયો હોવાથી અમુક ગામોમાં વાવણીની શરુઆત પણ થઈ ગઈ છે.અમરેલી જિલ્લામાં સામાન્ય રીત્ો અમુક વિસ્તારોને બાદકરતા મોટા ભાગના વિસ્તારમાં ચોમાસામાં જ વધારે વાવેતર થાય છે. ચાલુ વર્ષે ચોમાસાની શરુઆતમાં એક તરફ સાવરકુંડલા સહિતના અન્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે તો બીજી તરફ જિલ્લાના ખૂબ જ મોટા ભાગમાં હજુ સુધી વાવણી થઈ નથી. આમ છતા ખેડૂતો દ્વારા સારા વરસાદની આશા સાથે આગોતરું વારવેતર કરાવામાં આવ્યું છે. આ અંગે અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા વાવેતર અંગેના સર્વેની વિગતો આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી જે. કે. કાનાણીએ જણાવ્યું કે, જિલ્લામાં સૌથી વધારે 152283 હેક્ટરમાં કપાસ અને બીજા ક્રમે 64377માં મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે. આ ઉપરાંત બગસરા તાલુકામાં 670 હેક્ટર અને કુંકાવાવ તાલુકામાં 1ર હેક્ટરમાં સોયાબીન, જિલ્લામાં 62 હેક્ટરમાં તલ, 332 હેક્ટરમાં શાકભાજી, 916 હેક્ટરમાં ઘાસચારો, 24 હેક્ટરમાં મગ, 16 હેક્ટરમાં મઠનું વાવેતર થયું છે. તાલુકાવાઈઝ જોઈએ તો સૌથી વધારે સાવરકુંડલા તાલુકામાં 53526 હેક્ટર અને સૌથી ઓછું રાજુલા તાલુકામાં 3975 હેક્ટરમાં વાવેતર થયું છે.