પરબે 200 વર્ષથી ઉજવાતો અષાઢી બીજનો મેળો

અમરેલી,
ભારત ભરમાં ઉજવાતા લોક પારંપારિક મેળાઓમાં સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડની પાવન ભુમિમાં ઉજવાતા લોક મેળવાઓનું એક આગવુ સ્થાન છે. આ મેળાઓમાં શીવરાત્રીનો મેળો હોય કે માધુપુર ઘેડનો મેળો હોય કે શ્રાવણ માસનો જન્માષ્ટમીનો મેળો હોય. આ મેળાઓમાં સોરઠ ધરાના ગરવા ગીરનારની ગોદમાં આવેલ ભેસાણ અને વાવડીના વચ્ચે આવેલ સંત દેવીદાસ અમરદેવીદાસનો અષાઢી બીજનો બે સૈકથી ઉજવાતો મેળો એટલે તીર્થ ભુમી પરબનો પાવન મેળો. દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા ભાવીકો વિશાળ જગ્યામાં નવસર્જીત ગગનચુંબી બનાવેલ અતિ સુંદર અને શોભાયમાન શીખરો ઉપર ફરકતી સત ધર્મની ધજાઓ જાણે સ્વર્ગલોકના દેવતાઓને આવકારતી હોય, મંદિરના ગર્ભ ગૃહમાં તથા ઉપરના ભાગે અમરત્વને પામેલ એવા સતદેવીદાસબપુ તથા અમરમાં અને તેમની પરંપરામાં થયેલ અનેક જતી અને સતિઓની ચેતન સમાધીઓ, જાણે લીંબુડી, મરવાના છોડના અને અનેક જાતના ફ્લોથી શણગારેલ. સમાધી ઉપર ચુંદડી ઓઢાડીને સમાધી રાખેલ હોય, જેના દર્શન માત્રથી અંતર આત્મામાં એક દિવ્ય અનુભુતિનો અહેસાસ થાય છે. આ જગ્યામાં હાલ ગાદીપતિ તરીકે શોભાયમાન એવા પ.પુ. કરશનદાસ બાપુ તથા આ ધારાના ગુરૂ પરંપરા મુજબનાં શિષ્યગણો તરફથી ટુકડો ત્યાં હરી ઢુકડોની કહેવત મુજબ નિયમીત, નિ:શુલ્ક હજારો માણસોને સદાવ્રતનું ભોજન આપવામાં આવે છે.આ અષાઢી બીજના મેળામાં તો જાણે દેવીદાસબાપુ અને અમરમાં સતી અનસુયા અને દતાત્રેયના રૂપમાં આવીને ગીરનારનના સીધ્ધો સાથે બેસણા કરતા હોય તેવુ વાતાવરણ સર્જાય છે. આ મેળામાં લાખો ભાવીકોની મેદની એકત્રીત થાય છે. જેની સુવિધા માટે તિર્થધામ તરફથી દરેક ભાવીકો માટે ભોજન, પાણી, બેસવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. વળી ઉજવણી માટે આકર્ષક મંડપો, લાઈટ ડેકોરેશન તેમજ રાત્રીના રોકાણ દરમિયાન સંત-વાણીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે. જેનો ભાવિકો લાભ લઇ ધન્યતા અનુભવે છે. તો એવા તે કયાં ? પાત્રોના કારણે આટલો મોટો મેળો યોજાય છે તેનો ઈતિહાસ જોઇએ તો, પરબ તિર્થનું નામ સાંભળતા જ લોક હૈયામાં બેઠેલી શ્રધ્ધા એટલે, (1) જાજમ જુના જોગની, પાથરી, પારબની માંય સતિ અમર માને કારણે, દેવીદાસ યોગી અવતાર. (2) કોઈને ખેતર બોડીયુને કોઈને ગામ ગરાસ, આકાશી રોજી ઉતરે નકળંગ દેવી દાસ. (3) જાકો જુસકો કોઈ નહીં તાકો દેવીદાસ (4) મે અલખીયા પરબ પીરના સતની જોળી હાથ ધરી (5) મે તો સીધ્ધ રે જાણીને તમને સેવિયા. તમે લીધી રે વિદાયુ પરબ ધામની. આવા સેવા ધર્મના ભેખધારી એવા દેવીદાસબાપુ અને અમરમા નો ગરવો ઇતિહાસ એટલે આજથી દોઢસો થી બસ્સો વર્ષ પહેલાનો જ સત્ય પ્રસંગ છે. હાલના અમરેલી જીલ્લાનાં બગસરા પાસેના મુંજીયાસર ગામના રબારી માલધારી સમાજના પુના ભગતના દિકરા એવા દેવો. આ વિસ્તારમાં દુશ્કાળ પડતા માલઢોરનાં નિભાવ માટે લીલોતરી પરગણામાં જુનાગઢના ગરવા ગીરનારનાં નીચોલ નદી કાઠાના, ગામડામાં કુટુંબ કબીલા સાથે બીલખા તરફ ગયા અને ત્યાં કાંઠા ઉપર પોતાને રહેવા માટે નેહડા બનાવી, માલઢોરની ઝોક બનાવી સમય પસાર કરવા લાગ્યા. પોતાનાં નેહડાથી નજીક આવેલ રામનાથ આશ્રમમાં સિધ્ધયોગી, જેરામ ભારથીનો આશ્રમ હતો. જયાં સવાર-સાંજ ગરવા ગીરનારથી અનેક સાધુ, સંતો, ફકીરો સત્સંગ કરવા આવતા. જેમાં મુસ્લીમ સુફી નુરસાગર પણ હતા. જેની અલ્લાહ-ઈશ્વરની જોડી હતી. પુના ભગત આધ્યાત્મીક વૃતિના હોય અવારનવાર જેરામભારથીના આશ્રમમાં સેવા ચાકરી કરતા અને દુધ-પાણી આપતા અને, સાથે યુવાન દેવો પણ બાપુ પાસે જતો. જેરામબાપુની સામે જોતો. આ માથા ઉપરની જટા, હાથમાં ચીપીયો અને ધુણો અવારનવાર આવતા લોકોને જોઇને દેવો એબમાં પડયો. આ તે કંઇ માટીના માનવી ! દેવો પણ કોઈ પુર્વ જન્મનો યોગી હોય તેમ જેરામ ભારતી અને નુરસાગરબાપુની સેવામાં લાગ્યો રહેતો. એક સમયે જેરામ ભારતી અને નુરસાગરબાપુએ દેવાને બોલાવી ધુણામાંથી ચપટી ભભૂત લઇ દેવાને આનંદથી દિક્ષીત કર્યા અને દેવાને ત્રણ ભવનું જ્ઞાન સુજી ગયું. દેવાએ બંને ને વંદન કર્યા અને બાપુએ તેમનું નામ દેવામાંથી બદલીને દેવીદાસ રાખ્યું અને આદેશ કર્યો કે, વાવડી અને ભેસાણની વચ્ચે એક શરભંગ ત્રદપિનો જુનો ધૂણો છે તેને ચેતન કરી, ભજન કર અને ભુખ્યાને રોટલો, દુખીયાને દુઆ અને સેવા તેમજ સાધુ સંતની ચાકરી કર. મારા આશિર્વાદ તારી સાથે છે. તેઓ દેવામાંથી દેવીદાસ થયેલા એવા સિધ્ધી યોગી, પોતાના થોડા ઘણા માલઢોર સાથે શરભંગ ત્રદષીના જુના ધુણે આવ્યો. લોબાન અને અગ્નિની જવાળા પ્રગટી. દેવીદાસે ધૂણો ચેતવ્યો અને ઝુપડી બાંધી અને ભજન ચાલુ કર્યું. તેમની કમાણીનું આજનું પરબધામ બન્યું. ગીરનાર તરફ આવતા જતા યાત્રીઓ, સાધુ સંતો, ફકીર, રાહમાર્ગીને ખવડાવવાનું ચાલુ કરીને ’’જયાં ટુકડો ત્યાં હરી ઢુકડો’’ જાણી સત કર્મનો આલેખ જગાડયો. કુદરતને કરવું ને છેલ્લા બે વર્ષથી દુષ્કાળનાં ઓળા ઉતર્યા. મેઘરાજાએ આ વર્ષ પણ મહેર કરી નહી. લોકો ત્રાહીમામ થયા. માલઢોર ટપોટપ મરવા લાગ્યા અને તેમાંય માનવ જાતમાં કુદરતી કૃષ્ટ રોગ, રકતપીત, કોઢીયાનો રોગચાળો ફાટી નીકળ્યો. માણસના શરીર વિકૃત થવા લાગ્યા. લોહીપરૂથી પીડાતા લોકોની દર્દ ભરી વેદનાઓ સંભળાવવા લાગી. લોકો આ ઇશ્વરનો કોપ ઉતર્યા હોય અને જેને રોગ થયા હોય તે, ઇશ્વરનાં ગુનેગાર અને પાપી હોય તેમ માની તેને સજા ભોગવવા – દરીયામાં કે કોઈ અવાવરૂ જગ્યાએ કે આશ્રમમાં જીવતા જાગતા પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોને મુકવા – નાખવા લાગ્યા. આવા કપરા સમયમાં દેવીદાસબાપુની ઝુપડીએ પણ કેટલાય રોગીષ્ટોને લોકો મુકી ગયા. બાપુનો અંતરનાદ દ્રવી ઉઠયો. ગુરૂ વચન યાદ કરી ભુખ્યાને રોટલો, દુ:ખીને દયા અને સેવા, સાધુની ચાકરી, રકત પીતીયાને ઝુપડીમાં લાવી, જંગલી વનસ્પતિનો રસ તેમજ લીમડાના પાણીથી નવડાવી શરીરને રૂ થી હળવા હાથે સાફ કરી, પાટા બાંધી, બાપુ લોકોને સાજા કરવા લાગ્યા. બાપુની કિર્તા ગીરનારનાં શીખરેથી વહેવા લાગી. આ સેવાકાળમાં એક પ્રસંગ બન્યો. ઉનાળાનાં ધોમધખતા તાપમાં બાપુ રકતપીતીયાની સેવા કરે છે. આવતા- જતા યાત્રીઓને ભોજન કરાવે છે. ઝુપડીની આગળનાં ભાગે વિશાળ મેદાનમાં અનેક લીમડા-પીપળાના, મીઠા છાયા તળે આવતા જતા લોકો આરામ કરે છે. આવા સમયે જેતપુર પાસેના પીઠડીયા ગામના મછીયા- આહિર સમાજનાં ડવ શાખાનાં કુળની અમર નામની ગુણવાન દિકરીનાં લગ્ન બીલખા પાસેના શોભાવડલા ગામે થયેલ. જેને વેલડુ જોડીને તેના સાસુ-સસરા, નણંદ, સાસરીયાનાં ગામે તેડી જતા હતા. બપોરના મધ્યાહન સમયે વેલડું બાપુની ઝુપડીએ પહોંચતા, વેલડામાંથી સૌ ઉતરી આરામ કરવા બેઠા, ઘડી-બે ઘડી આરામ દરમિયાન બાજુની બાપુની ઝુપડીમાંથી કેટલીક દર્દભરી ચીસો સંભળાય. માનવ સહજ યુવાન સ્ત્રી, અમરને કુતુહલ થતા ઉભી થઇને ધીમા પગે ઝુપડી પાસે જઇને જુવે છે. તો અર્ધમૃત પાય અને રકતપીતથી વિકૃત બનેલ શરીરવાળા સ્ત્રી, પુરૂષોને સુતા જુવે છે અને કણસતા-રોગીને બાપુ રૂ નાં પુંભડાથી સાફ કરી આશ્વાસન આપે છે. બસ આ દ્રશ્ય જોતા યુવાન અમર ચિતભ્રમ થઇ ગઈ. આ શું ? આ દેહની પણ આવી દશા ન થાય તેની શી ખબર ! યુવાન અમરે દેવીદાસબાપુ ની આવી સેવા-ચાકરી અને દર્દીની યાતના જોઇને મનોમન નિર્ણય લઈ લીધો. બસ હવે જે થવાનું હોય તે થાય. સત કર્મ કરી જીવન સાર્થક જ કરાય. આ પરિસ્થિતિને જોઇને ઝુપડીએથી પાછી ફરેલી. અમરનાં હાવભાવ ફરી ગયા, સાસુ- સસરા અને નણંદને ઇશારો કરી ઝુપડી તરફ લઇ ગયા. આખુ કુટુંબ આ દુ:ખ ભરી સ્થિતિ જોઇને દુ:ખી થઇ ગયું. પરંતુ સસરા અને સાસુએ વાતને સામાન્ય ગણી ત્યાંથી નીકળવાની તૈયારી કરી. પરંતુઅમર અવાક બની હિંમતપુર્વક સાસુ-સસરાને કહ્યુ કે આ સ્થિતિ જોતા મને આ સંસારની માયામાંથી જીવ ઉઠી ગયો છે. મારે આવા દીન દુ:ખીયાની બાપુ સાથે રહી સેવા કરવી છે. સાસુ-સસરાએ અમરને સમજાવી દિકરા- બેટા, હજુ હમણાં તમારા લગ્ન થયા છે. તમારા સાથે અમારો અને તારા પતિનો આધાર છે. આ સેવા ચાકરી તો સાધુ-સંતોના કામ છે. આપણે તો સંસારી છીએ. અનેક પ્રયત્ન કરવા છતા, યુવાન, અમરે કોઈનું માન્ય નહિ. ગયાજન્મની, યોગીની શકિત સ્વરૂપા, જગદંબા જેવુ વિકરાણરૂપ ધારણ કરી. છતાં પણ શાંત ચિતે ઝુપડામાં સેવા કરતા દેવીદાસબાપુનાં ચરણોમાં પડીને, પોતાના મનની વ્યથા બાપુને કહી, અહિં ઝુપડામાં રહીને આપતી સાથે દીન-દુખીયાની સેવા કરીશ. પણ હવે હું સાસરે નહીં જાવ. બાપુએ પણ તેને ઘણી સમજાવી. પણ અમર ન માની. પછી બાપુને સંતપણાની ઇશારાની સાનમાં કહ્યુ હમ પરદેશી પુર્વ જન્મ કા, ઇસ દેશ કા નાહિ, હમારી સાન કોઈને સમજે જો કોઇ, સુજે સો હમારા હોય. બસ આટલી વાતમાં દેવીદાસ બાપુએ તેને ધૂણામાંથી ચપટી રાખ લઇ તિલક કર્યું અને અમર એ અમરનામ મીટાવી ’’અનસુયાનાં રૂપ સમી, ’’અમરમાં’’ બની અને પછી સતદેવીદાસ- અમરદેવીદાસના ગુરૂ શિષ્યાની – સેવા ધર્મના ભેખધારી બની . અમરમાં એ ખભે જોળી નાખી. મે અલખીયા પરબ પીરના સતની જોળી મે તો ખંભે ધરી. આજુબાજુના ગામડેથી રોટલો ભેગા કરી સાધુ-સંતોને, લોકોને ખવડાવવા લાગ્યા. જેના પાવન પગલે આખો વિસ્તાર પવિત્ર થયો અને આવા ગુરૂ શિષ્યાના પવિત્ર સતકર્મોના અંતિમ સમયે દેવીદાસબાપુએ તેમના શિષ્યગણને બોલાવી આ દુનિયામાંથી જીવતા સમાધી લીધી અને તેની પાછળ અમરમાએ પણ બાપુના પ્રચલીત ભજન મુજબ અમરમાંએ ગાયુ કે, મે તો તમને સિધ્ધ જાણીને સેવ્યા છે. મારા રૂદીયામાં દિવસ અને રાત જીવણભલેને જાગીયા, એવા અમર પુરૂષની પાછળ અમરમાએ પણ જીવતા સમાધી લીધી. જેના સતકર્મોની યાદના પરીણામરૂપ આજે ભવ્ય મંદિરનું નિર્માણ થયેલ છે. તેની યાદમાં દર વર્ષે આ અષાઢી બીજનાં દિવસે તેમને નમન કરી કોટી યજ્ઞ ફળ મેળવી કૃતાર્થ થઇએ. તેમ જાદવભાઇ એમ.યાદવે જણાવ્યું છે.