ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાની ક્લબ કક્ષાની ટીમ સામે ભારતનો પરાજય થયો છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં ઇન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં રોહિત શર્માના સ્થાને લોકેશ રાહુલ કપ્તાન હતો. ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગનો લીધી હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડાર્શી શોર્ટ અને નિક રોબ્સને અર્ધસદી ફટકારતા આઠ વિકેટે ૧૬૮ રન બનાવ્યા હતા. શોર્ટે ૫૨ અને રોબ્સને ૬૪ રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા લોકેશ રાહુલની ૭૪ રનની ઇિંનગ્સના દમ પર ૧૩૨ રન જ કરી શકી હતી અને તેમણે ૩૬ રને હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ચાલ્યો નહોતો. હાર્દિક પંડ્યાએ ૧૭, રિશભ પંતે ૯ અને દિપક હુડ્ડાએ ૬ રન કર્યા હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી કેલી, લાન્સ મોરિસ અને મેકેન્ઝીએ બે-બે વિકેટ લીધી હતી. ભારતના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિને સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલે બે અને અર્શદીપ સિંઘે એક વિકેટ લીધી હતી. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ભારતે જીત મેળવી હતી પરંતુ બીજી મેચમાં નિરાશાજનક બેટિંગ ભારતના પરાજયનું મુખ્ય કારણ રહી હતી. બીજી પ્રેક્ટિસ મેચમાં સૂર્યકુમાર, ચહલ અને કોહલીને આરામ આપવામાં આવ્યો હતો.