અમરવલ્લી સહિતના સૌરાષ્ટ્રના મતદારો આ વેળા પોતાનું મન કળાવા દે એમ નથી

ગુજરાતમાં ખરેખરો ચૂંટણી જંગ જામ્યો છે. ગઈકાલે પીએમ મોદી અને કોંગી નેતા રાહુલ ગાંધીની સભાઓમાં ગુંજેલા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, તો ‘આપ’ ના વરિષ્ઠ નેતાઓના નિવેદનોની પણ વ્યાપક ચર્ચા થતી રહી હવે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના અન્ય પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે હવે ચૂંટણીજંગ ધીમે ધીમે પરાકાષ્ટાએ પહોંચી રહેલો જણાય છે. ‘આપ’ ના કેજરીવાલ, રાજસ્થાનના અશોક ગેહલોત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા પંજાબના સીએમ. ભગવંતસિંહ માન વગેરે પણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે.

ચૂંટણીના ચક્રવ્યૂહ વચ્ચે મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના ફરીથી ચર્ચાનો મુદ્દો બની છે. વાસ્તવમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે કમભાગી લોકોના એક સંબંધીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પોલીસે ઉતાવળમાં એફઆઈઆર નોંધીને નાના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને નગરપાલિકાના અધિકારી કે દોષિત કંપનીના મોટા માથાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી નહીં હોવાથી ન્યાયિક તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી હતી અને મૃતકોના પરિવારોને અપાયેલા વળતર અંગે પણ અસંતોષ વ્યકત  કરાયો હતો. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે અરજદારને હાઈકોર્ટ સમક્ષ જવા સૂચવ્યુ હતું અને કેટલાક નિર્દેશો પણ કર્યા હતાં.

જો કે, સુપ્રિમ કોર્ટે સીબીઆઈ તપાસની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ અરજદારને પોતાની રજુઆતો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવાનું સૂચન કર્યું હતું, કારણ કે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને પણ અરજદારની રજૂઆતો સાંભળવવાનું સૂચન કર્યું હતું. સુપ્રિમ કોર્ટે સૂચન કર્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ ફરીથી ન બને, તે માટે સતત મોનીટરીંગ જરૃરી છે. મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના ઘણી મોટી અને ગમખ્વાર હતી. આ દુર્ઘટનામાં ૪૭ બાળકો સહિત ૧૩પ લોકોના મૃત્યુના મામલે ચોક્કસપણે ન્યાયિક હસ્તક્ષેપની જરૃર છે, અને હાઈકોર્ટ તેના માટે સક્ષમ છે. અરજદાર ઈચ્છે તો હાઈકોર્ટ સમક્ષ આ તમામ રજૂઆતો કરી શકે છે.

એક તરફ આ મુદ્દો સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટની અટારીએ પહોંચ્યો હતો, તો બીજી તરફ ચૂંટણીની મોસમ હોવાથી આ મુદ્દાએ રાજકીય રંગ પણ પકડી લીધો હતો. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આ મુદ્દે રાજકોટમાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજનીતિ કરવા માંગતા નથી. કોંગ્રેસના પ્રચાર માટે યોજાયેલી જનસભામાં આ પહેલા ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.

જો કે, ચૂંટણીસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ૧પ૦ લોકોના મૃત્યુ થયા હોવાથી હુ રાજનીતિ કરવા ઈચ્છતો નથી, પરંતુ આ દુર્ઘટના પછી માત્ર ચોકીદારોને પકડીને (જેલમાં) પૂરી દીધા, અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં ન આવી, તે યોગ્ય નથી. આજે પણ સવાલ ઉઠી રહ્યો છે કે (આ લોકોને) ભાજપ સાથે સારો સંબંધ છે. એટલે તેને કંઈ નહીં થાય ? બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક અશોક ગેહલોતે પણ મોરબી દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે આ મુદ્દે ભાજપે મૌન ધારણ કરી રાખ્યું છે અને આ મામલે ભીનુ સંકેલવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાની તપાસ હાઈકોર્ટના જજના વડપણ હેઠળ થાય,  તેવી માંગ પણ ગેહલોને ઉઠાવી હતી.

આ પહેલા આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતુ અને હવે આ મુદ્દો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જો કે, સુપ્રિમ કોર્ટે આ મુદ્દે હાલતુરત હસ્તક્ષેપનો ઈન્કાર કરીને હાઈકોર્ટને આ મુદ્દે રજૂઆત કરવાના સૂચનની સાથે સાથે અરજદારની રજૂઆતો સાંભળવા પણ સૂચવ્યું છે, તેથી હવે આ મુદ્દે ન્યાયિક પ્રક્રિયા આગળ વધશે, પરંતુ તેના રાજકીય પ્રત્યાઘાતો ચૂંટણીની મોસમમાં ફરીથી પડઘાવા લાગ્યા છે. ભાજપ  દ્વારા આ મુદ્દે જણાવાઈ રહ્યું છે કે આ ગમખ્વાર દુર્ઘટના હતી, અને ઉચ્ચસ્તરિય તપાસ ચાલી રહી છે, તેમજ સમગ્ર મામલો હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ છે. જવાબદારોને કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે, અને તપાસના અનુસંધાને કેટલીક ધરપકડો પણ થઈ છે, હવે આ મુદ્દો રાજકીય ક્ષેત્રે પણ ગુંજતો રહેવાનો છે.

ચૂંટણીની મોસમ હોય, એટલે શાસન-પ્રશાસનને લગતી કોઈપણ બાબત પ્રચારનો મુદ્દો બની જતી હોય છે, તેથી મોરબીનો મુદ્દો પણ ફરીથી ગુંજવા લાગ્યો છે, પરંતુ મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાનો મુખ્ય મુદ્દો જાણે પાછળ ધકેલાઈ રહ્યો છે, અને વિકાસ-લોકકલ્યાણની યોજનાનો ઉપરાંત કેટલાક ભાવનાત્મક મુદ્દાઓ પણ ઉઠાવાઈ રહ્યા છે તેમજ કલમ-૩૭૦ અને સર્જીકલ એર-સ્ટ્રાઈકના દૃષ્ટાંતો પણ ઉઠાવાઈ રહ્યા છે. જો કે ચૂંટણીસભાઓ કે રોડ-શો માં એકત્રિત થતી ભીડ કે પ્રચાર  દરમિયાન એકઠા થતાં લોકોના સમૂહ પરથી મતદારોનું મન કળી શકાતું હોતું નથી. ઘણી વખત મતદારોએ પૂનરાવર્તન કે પરિવર્તન અંગે પહેલેથી જ મન બનાવી લીધુ હોય છે, તેથી સાચાં પરિણામો તો મતગણતરી થાય, ત્યારે જ જાણવા મળી શકે, અને ત્યાં સુધી અટકળો અનુમાનો અને સર્વેક્ષણો જ કરવાના રહે.