એક્ઝિટ પોલ કંઈ એક્ઝેક્ટ પોલ તો હોતા નથી માટે થોભો અને રાહ જુઓ

બીજા તબક્કાનું મતદાન પૂરું થતા પહેલાં જ ભવિષ્યવાણી થઈ હતી કે ગુજરાતમાં ટિંગાયેલી એસેમ્બલી એટલે કે ત્રિશંકૂ વિધાનસભા રચાશે, તે પછી આમ આદમી પાર્ટીને દિલ્હી એમસીડી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીમાં બમ્પર વિજય મળ્યો હોવાના અહેવાલો આવ્યા અને ત્યાં રપ૦ માંથી આમ આદમી પાર્ટીને ૧૪૬ થી ૧૭પ જેટલી બેઠકો મળશે અને ભાજપ ૧૦૦ ની અંદર જ સમેટાઈ જશે, અને સત્તા ગુમાવશે તેવા આંકડાઓ પણ આવ્યા. આ અનુમાનો પછી આમ આદમી પાર્ટીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પણ ‘આપ’નો ડંકો વાગશે, તેવો દાવો શરૂ કર્યો, ત્યાં જ હિમાચલ પ્રદેશના એકઝીટ પોલ આવ્યા, અને ત્યાં ભાજપ અને કોંગ્રેસને લગભગ એકસમાન વોટશેર એટલે કે સરેરાશ મતો મળી રહ્યા હોવાના અનુમાનો આવ્યા.

તેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નેક ટૂ નેક એટલે કે કટોકટ મતો મળી રહ્યા હોવાના એકઝીટ પોલ્સ આવવા લાગ્યા. કોંગ્રેસે દાવો કર્યો કે હિમાચલ પ્રદેશના મતદારોએ કોંગ્રેસને મહત્તમ વોટ આપ્યા છે, અને આ વખતે કોંગ્રેસ જ સરકાર રચશે. હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે ભાજપ અને કોંગ્રેસને વારાફરતી બહુમતી આપીને સરકાર બદલવાની મતદારોની પરંપરા આ વખતે તૂટી જશે, તેમ જણાવીને ભાજપને પણ હિમાચલ પ્રદેશમાં પોતાની સરકાર રિપીટ થઈ રહી હોવાનો દાવો કર્યો. તે પછી ગુજરાતના એકઝીટ પોલ્સ આવવા લાગ્યા, અને ભાજપનું પલડુ ભારે હોવા છતાં કોંગ્રેસને ચાન્સ હોવાના તારણો નીકળ્યા.

લગભગ અડધો ડઝન જેટલી સર્વે એજન્સીઓના એકઝીટ પોલ્સની સરેરાશ એટલે કે ‘પોલ ઓફથી પોલ’ મુજબ ગુજરાતમાં ભાજપની સરકાર ફરીથી આવી રહી છે, અને ભાજપને સરેરાશ ૧૩૦ થી વધુ અને કોંગ્રેસને સરેરાશ ૪૦ થી વધુ બેઠકો મળી રહી હોવાના આંકડા બહાર આવ્યા. બીજી તરફ આમ આદમી પાર્ટીને પણ ૩ થી ર૧ બેઠકો મળતી હોવાના જુદા જુદા અનુમાનો થયા, પરંતુ ‘આપ’ ની સરેરાશ ૧૦ ની આજુબાજુ બેઠકોનું તારણ પણ નીકળી રહ્યું છે. જો કે ઈશુદાન ગઢવીએ ત્રિશંકુ વિધાનસભા થાય તો કોંગ્રેસ સાથે ગઠબંધનના સંકેતો આપ્યા હોવાના અહેવાલો પણ વહેતા થયા છે.

કોંગ્રેસના પ્રવકતાઓએ આમ તો ત્રણેય સ્થળે પરાજય થવાની વાત સ્વીકારી નહીં અને એકઝીટ પોલ્સ એકઝેટ નથી હોતા પરંતુ માત્ર અનુમાનો હોય છે, તેમ જણાવ્યું જયારે કેટલાક નેતાઓએ દિલ્હીમાં ‘આપ’ને બહુમતી, હિમાચલમાં કોંગ્રેસ અને ગુજરાતમાં ફરી ભાજપની સરકાર આવી રહી હોવાનો દાવો પણ કર્યો, એકંદરે ભાજપ ર૭ વર્ષના શાસન પછી પણ પૂનઃ ગુજરાતમાં સન્માનજનક બહુમતી સાથે ફરીથી સત્તા પ્રાપ્ત કરી રહી હોવાને પણ એક વિશેષ સિદ્ધિ ગણાવાઈ રહી છે, જો કે, દિલ્હીમાં ભાજપને ઘરભેગું કરીને આમ આદમી પાર્ટીએ મેળવેલો વિજય ભાજપ માટે દિવા તળે અંધારું જેવો જ ગણાય.

ટૂંકમાં, જે પક્ષોની બહુમતી મળી રહી છે તેઓ એકઝીટ પોલ્સને સ્વીકારી રહ્યા છે અને પરાજય થતો દર્શાવ્યો હોય, તે પક્ષો એકઝીટ પોલ ખોટા પણ પડી શકે છે, તેવી દલીલ કરી રહ્યા છે, જો કે, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં જુદા જુદા પક્ષોને બહુમતી મળતી દર્શાવાઈ હોવાથી એકઝીટપોલ્સ અંગેના અભિપ્રાયો પણ પોતાની અનુકૂળતા મુજબ અપાઈ રહ્યા છે. મજેદાર વાત એ છે કે એકઝીટ પોલ્સ વિષે રાજ્યવાર અલગ-અલગ અભિપ્રાયો આપતા રાજકીય પક્ષો સ્વયં ગુંચવણમાં જણાય છે. તટસ્થ અભિપ્રાય મુજબ એકઝીટ પોલ્સ માત્ર અનુમાનો જ હોય છે, અને ઘણી વખત સાચા પણ પડયા છે અને ખોટા પણ પડ્યા છે. એટલે અત્યારથી હરખ કે નિરાશા વ્યકત કરવાના બદલે અથવા પરસ્પર ઉગ્રતાથી દલીલો કરવાના બદલે આઠમી ડિસેમ્બરની રાહ જોવી જોઈએ.

આ એકઝીટ પોલ્સને થોડા સમય માટે તદ્દન સાચા જ માની લઈએ તો એવું તારણ નીકળે છે કે હવે કોંગ્રેસને વધુ આત્મમંથન, મહેનતની અને સંગઠનની મૂળમાંથી જ નવેસરથી રચના કરવાની જરૂર છે અને માત્ર રાષ્ટ્રીય પ્રમુખ બદલવાથી નહીં ચાલે, પરંતુ છેક નીચે સુધી એટલે કે ગ્રામ્ય તથા બૂથ લેવલ સુધી નવું નેટવર્ક ઊભું કરવું પડે તેમ છે. જો કે, ભારત જોડો યાત્રા પછી હાથ સે હાથ મિલાવવાનું અભિયાન કોંગ્રેસે જાહેર કરી જ દીધું છે, પરંતુ તમામ રાજ્યોમાં ચેતનવંતા નેતૃત્વની પણ જરૂર રહેવાની છે. પોલિટિકસમાં કયારેય પલાયનવાદ ચાલે નહીં.

બીજી તરફ આ એકઝીટ પોલને તદ્દન સાચા જ માની લઈએ તો દેશના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ અવશ્ય વધી રહ્યો છે એ સ્વીકારવું પડે. ગુજરાતમાં વધેલો જણાતો વોટશોર અને દિલ્હીમાં ધમાકેદાર વિજયના અનુમાનો આપ માટે પ્રોત્સાહક જરૂર છે, પરંતુ ગુજરાતમાં આપની સરકાર રચવાના સપના અધૂરા રહી જશે તેમ જણાય છે. ત્રિશંકૂ વિધાનસભાની આપની ભવિષ્યવાણી પણ આ એકઝીટ પોલ નકારી રહ્યા છે, તેથી હવે ૮ મી ડિસેમ્બરે જ દૂધનું દૂધ એન પાણીનું પાણી થઈ જવાનું છે. ભારતીય જનતા પક્ષની જો ફરીથી સરકાર રચાય, તો બહુ ઉન્માદમાં આવી જવાના બદલે આગામી પાંચ વર્ષ માટે તટસ્થ, પારદર્શક, ભ્રષ્ટાચાર રહિત, જનલક્ષી અને હંમેશાં સક્રિય શાસન માટે પૂરેપૂરા પ્રયાસો કરવા જ પડશે.

અન્યથા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી એટલે કે ર૦ર૭ માં કદાચ ‘આપ’નું સ્વપ્ન સાકાર થાય, તે પછી ગુજરાતની જનતા ત્રીજા પરિબળને સ્વીકારતી નહીં હોવાથી તથા પુનઃ ચેતનવંતી થઈને લોકોમાં ફરીથી સ્વીકૃતિ મેળવીને કોંગ્રેસને જનાદેશ મળે, તેવું પણ બની શકે. રાજકારણમાં કયારેય પણ કાંઈ પણ સ્થિર કે સ્થાયી હોતું નથી, તે કોઈપણ રાજકીય પક્ષે ભૂલવા જેવું નથી, તેથી આગામી પાંચ વર્ષ ગુજરાતની સંભવિત સરકાર માટે પડકારરૃપ પણ રહેવાના છે. જો કે, આ બધા તારણો, અનુમાનો અને સંભાવનાઓ ૮ મી ડિસેમ્બરના વાસ્તવિક પરિણામો પર આધારિત રહેવાના છે અને જો એકઝીટ પોલ્સથી વિપરીત પરિણામો આવ્યા તો તમામ સમીકરણો બદલી પણ શકે છે ?  થોભો અને રાહ જુઓ.