IND vs SL મેચમાં મોટી દૃુર્ઘટના, બે ખેલાડીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી અને છેલ્લી વન ડે મેચમાં એક ભયાનક અકસ્માત થયો હતો. બોલને રોકવાના પ્રયાસમાં શ્રીલંકાના ફિલ્ડરો ખરાબ રીતે અથડાયા હતા. આ બંને વચ્ચેની અથડામણ એટલી ખતરનાક બની ગઈ કે બંને ખેલાડીઓ જમીન પર પડી ગયા અને પછી ફિઝિયોને મેદાન પર આવવું પડ્યું. વાત ત્યાં સુધી પહોંચી કે બે સ્ટ્રેચરને મેદાનમાં બોલાવવામાં આવ્યા અને પછી તેમને બહાર કાઢવામાં આવ્યા. આ ઘટના ૪૩મી ઓવરમાં બની હતી. બોલર કરુણારત્નેએ બોલ લેગ સાઇડ પર વિરાટ કોહલીને ફેંક્યો હતો. ભારતીય બેટ્સમેને તેને ડીપ મિડવિકેટ અને ડીપ સ્ક્વેર લેગ વચ્ચે રમી હતી. વિરાટ કોહલીના શોટને રોકવાનો પ્રયાસ જેફરી વેન્ડરસે અને બંડારાએ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. વાન્ડરસે ડાબી બાજુથી દોડ્યો અને બંડારા પણ બીજી બાજુથી બોલને રોકવા આવ્યો. પરંતુ બંને ખેલાડીઓ સામસામે આવી ગયા હતા. જ્યારે વાન્ડરસેને માથામાં ઈજા થઈ, તો બંડારાને પગમાં ઈજા થઈ. જો કે વિરાટે ચોગ્ગો મારી લીધો હતો પરંતુ આ બંને ખેલાડીઓ મેદાન પર જ પડી ગયા હતા. શ્રીલંકાના ફિઝિયો તરત જ દોડી આવ્યા. તેણે બંનેને જોયા. આ દરમિયાન ભારતીય ટીમનો મેડિકલ સ્ટાફ પણ મેદાન પર પહોંચી ગયો હતો. બંને ખેલાડીઓની હાલત જોઈને મેદાનમાં સ્ટ્રેચર મગાવવામાં આવ્યા અને બંને ખેલાડીઓને બહાર લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ શ્રીલંકાના કેપ્ટન શનાકા સાથે વાત કરી અને બંને ખેલાડીઓની હાલત વિશે જાણ્યું.