સ્વયંભુ બંધ તરફ ધકેેલાતું કોરોનાગ્રસ્ત અમરેલી

શહેરમાં બીજા દિવસે કોરોનાનાં એક સાથે 8 કેસ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો : અચાનક અમરેલી શહેરની બજારોમાં લોકોની ભીડ ઓછી થઇ ગઇ : બપોરથી શહેરમાં ટ્રાફીક ઓછો થયો

સુરત અને અમદાવાદ મુંબઇમાં ખબર પડતી હતી કે આ મહેમાન બહારથી આવેલ છે પણ સ્થાનિક સ્તરે કેમ ખબર પડે ? : સાવચેતી અને સાવધાની સાથે ફફડતું અમરેલી : તંત્ર દ્વારા પણ પગલા

અમરેલી,છેક સુધી ગ્રીન ઝોન રહેલા સલામત એવા અમરેલીમાં બે, ચાર, પાંચ એમ કેસ આવવાનો પ્રારંભ થયો હતો પણ રવિવારે અને સોમવારે એક સાથે 10-10 કેસ સામે આવતા બજારમાં મોટી અસર દેખાઇ હતી જેના કારણે સ્વયંભુ બંધ તરફ કોરોનાગ્રસ્ત અમરેલી જઇ રહયુ હોય તેમ લાગી રહયુ છે સરકાર ગમે તેટલી છુટ આપે પણ વેપારીઓ સલામતી માટે ખીચડીનું થઇ જાય એટલે દુકાન વધાવી લેવા ઇચ્છે છે અને તેની અસર સોમવારથી દેખાઇ છે.
અમરેલી શહેરમાં બીજા દિવસે કોરોનાનાં એક સાથે 8 કેસ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અચાનક અમરેલી શહેરની બજારોમાં લોકોની ભીડ ઓછી થઇ ગઇ હતી અને તેમાય બપોરથી શહેરમાં ટ્રાફીક ઓછો થયો છે. અગાઉ સુરત અને અમદાવાદ મુંબઇમાં ખબર પડતી હતી કે આ મહેમાન બહારથી આવેલ છે પણ હવે બે લાખની વસ્તી ધરાવતા અમરેલીમાં સ્થાનિક સ્તરે કેમ ખબર પડે કે કોણ કેરીયર છે છતા સાવચેતી અને સાવધાની સાથે અમરેલી ફફડી રહયુ છે અને બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ પગલા શરૂ છે.